ભાવનગર : નવી મુંબઈમાં એરપોર્ટ બન્યા બાદ ધીમે ધીમે દેશ-વિદેશ સાથે એર કનેરક્ટિવિટી વધી રહી છે. હાલમાં તો પરીક્ષાઓ ચાલે છે, પરંતુ માર્ચ કે એપ્રિલ મહિનામાં વેકેશનમાં જો તમને દીવ, રાજકોટ, ભાવનગર કે અમદાવાદ આવવું હોય તો તમારી પાસે બસ અને ટ્રેન ઉપરાંત એર કનેક્ટિવિટીનું ઑપ્શન પણ છે. 29 માર્ચથી આ ચારેય ડેસ્ટિનેશન પર ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ્સ શરૂ થવા જઈ રહી છે. બુકિંગ આજથી જ કરાવવાનું છે તો રાહ કોની જૂઓ છો, આ સમાચાર વાંચો, પ્લાન બનાવો અને કરી દો બુકિંગ.
ગુજરાતના ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા ભાવનગરથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ ટેકનિકલ કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. જોકે, હવે ભાવનગર થી નવી મુંબઈ વચ્ચે 29 માર્ચથી દૈનિક બે ફ્લાઈટ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનને રજૂઆત કરી હતી. આ સાથે અમદાવાદ અને રાજકોટ માટે પણ ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણેય ફ્લાઈટ્સ ગુજરાત અને નવી મુંબઈ વચ્ચે એર કનેક્ટિવિટી વધારશે. આ તમામ ફ્લાઈ્ટસ આગામી 29 માર્ચથી શરૂ થશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા 29 માર્ચ 2026 થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (એટીઆર વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે 25 ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે પ્લેન ઉપડશે. આ સેવા શરૂ થવાથી ભાવનગરના વ્યાપાર-ઉદ્યોગને નવો વેગ મળશે અને મુંબઈ મારફતે દેશના અન્ય શહેરોમાં જવાનું પણ સરળ બનશે.
આ સાથે એક ફ્લાઈ્ટ અમદાવાદથી સાંજે 7:10 વાગ્યે ઉપડશે અને નવી મુંબઈમાં રાત્રે 8:40 વાગ્યે પહોંચશે. રિટર્ન ફ્લાઇટ, નવી મુંબઈથી રાત્રે 9:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
નવી મુંબઈથી રાજકોટ માટે સવારે 7:00 વાગ્યે ઉપડશે અને રાજકોટ સવારે 8:15 વાગ્યે પહોંચશે. રિટર્ન ફ્લાઇટ, રાજકોટથી સવારે 8:45 વાગ્યે ઉપડશે અને સવારે 9:45 વાગ્યે નવી મુંબઈ પહોંચશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.