Thu Apr 30 2026

Logo

‘અઘોરી’ વિધિથી સમસ્યાનું નિરાકરણ: નાશિકથી બે ‘ગૉડમેન’ની ધરપકડ

2026-04-30 19:03:47
Author: Yogesh C Patel
Article Image

થાણે: બ્લૅક મૅજિક અને અઘોરી વિધિથી જીવનમાં સતાવતી સમસ્યાઓનું નિરાકરણ કરી આપવાને બહાને નવી મુંબઈની મહિલા પાસેથી 1.90 લાખ રૂપિયા પડાવીને કથિત છેતરપિંડી કરાવના કેસમાં નાશિકથી બે ‘ગૉડમેન’ની ધરપકડ કરવામાં આવી હતી.

પકડાયેલા બન્ને આરોપીની ઓળખ અર્જુન ભરત ચવાણ ઉર્ફે ટનટન બાબા (21) અને સાગર શિવાજી શિંદે ઉર્ફે એકલહરી બાબા (24) તરીકે થઈ હતી. નાશિકના ઘોટી ખાતેથી બન્નેને નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યા હતા.
આરોપીઓએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના વતની હોવાનો દાવો કર્યો હતો. નવી મુંબઈમાં રહેતી 27 વર્ષની મહિલાએ બાબાનો સંપર્ક સાધ્યો હતો. જીવનમાં ગંભીર સમસ્યાઓ છે અને તેનું નિરાકરણ પૂજા-વિધિથી કરવાની ખાતરી આરોપીએ આપી હતી.

આરોપીએ અઘોરી વિધિ કરવાને બહાને મહિલા પાસેથી 1.47 લાખની રોકડ અને 43 હજાર રૂપિયા ઑનલાઈન સ્વીકાર્યા હતા. સપ્ટેમ્બરથી ડિસેમ્બર, 2025 દરમિયાન આ છેતરપિંડી થઈ હોવાનું ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર અમિત કાળેએ જણાવ્યું હતું.

પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ 24 એપ્રિલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીને નાશિકમાં ટ્રેસ કર્યા હતા. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)