Sun Sep 06 2026

Logo

જાતીય શોષણના પાંચમા કેસમાં ‘ગૉડમૅન’ ખરાતની પૂછપરછ માટે પોલીસની તૈયારી

2026-04-18 17:21:00
Author: Yogesh C. Patel
જાતીય શોષણના પાંચમા કેસમાં ‘ગૉડમૅન’ ખરાતની પૂછપરછ માટે પોલીસની તૈયારી

નાશિક: મહિલાના જાતીય શોષણના ચોથા કેસમાં પૂછપરછ પૂરી થતાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતની પાંચમા કેસમાં પૂછપરછ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહિલાના જાતીય શોષણના ચોથા કેસમાં ખરાતને કોર્ટે શનિવારે 30 એપ્રિલ સુધીની અદાલતી કસ્ટડી સંભળાવી હતી.

જાતીય શોષણના ચોથા કેસમાં એક મહિલા પરિવારની સમસ્યાઓનું નિરાકરણ મેળવવા ખરાત પાસે આવી હતી. જોકે સમસ્યા હલ કરી આપવાને બહાને ખરાતે કથિત દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ કેસમાં ખરાત 18 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં હતો. શનિવારે પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી ખરાતને ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એન. ઈચપુરાની સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.

ખરાત વિરુદ્ધના દુષ્કર્મ અને છેતરપિંડીના કેસોની તપાસ એસઆઈટી કરી રહી છે. સુરક્ષાનાં કારણોસર કોર્ટ કાર્યવાહી વીડિયો કોન્ફરન્સિંગથી કરાઈ હતી. જોકે ટેક્નિકલ કારણોસર કોર્ટ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. નાશિકના આરોપી ખરાતને કોર્ટમાં હાજર કરાયો નહોતો.

સુનાવણી દરમિયાન પોલીસે ખરાતને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવાની વિનંતી કરી હતી, જેને પગલે મૅજિસ્ટ્રેટે ખરાતને 30 એપ્રિલ સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી. તેને નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો હતો.

જાતીય શોષણના પાંચમા કેસમાં એસઆઈટી ખરાતની પૂછપરછ કરશે. આ માટે રવિવારે તેને ફરી મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરીને પોલીસ કસ્ટડીની માગણી કરાશે. ખરાત વિરુદ્ધ જાતીય શોષણ અને છેતરપિંડીના 12 ગુના નોંધાયેલા છે. 35 વર્ષની મહિલા સાથે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દુષ્કર્મ કરવાના કેસમાં 17 માર્ચે પોલીસે ખરાતની ધરપકડ કરી હતી.

(પીટીઆઈ)

વધુ જુઓ...