Wed Sep 09 2026

Logo

નાશિક કોર્ટે 'ગોડમેન' અશોક ખરાતની પોલીસ કસ્ટડી લંબાવી

2026-03-29 21:06:30
Author: Mumbai Samachar Team
નાશિક કોર્ટે 'ગોડમેન' અશોક ખરાતની પોલીસ કસ્ટડી લંબાવી

બળાત્કાર અને છેતરપિંડીના આરોપી ખરાત સામે 10 FIR અને 100થી વધુ ફરિયાદ મળી

નાશિકઃ નાશિકની એક કોર્ટે આજે બળાત્કાર કેસમાં ધરપકડ કરાયેલા સ્વ-ઘોષિત ગોડમેન અશોક  ખરાતની પોલીસ કસ્ટડી ૧ એપ્રિલ સુધી લંબાવી છે. શહેરના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં  ખરાતની સામે અત્યાર સુધીમાં દસ એફઆઈઆર નોંધાઈ છે, જેમાં આઠ કથિત જાતીય હુમલો અથવા શોષણ અને બે છેતરપિંડીનો સમાવેશ થાય છે.

પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, તેમની સામે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને છેલ્લા કેટલાક દિવસોમાં ફોન પર ૧૦૦ થી વધુ ફરિયાદો મળી છે, જેમાં મોટાભાગની મહિલાઓ તરફથી છે. ખરાતને તેની અગાઉની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સુનાવણીમાં સરકારી વકીલે દાવો કર્યો હતો કે, કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આરોપી સહકાર આપી રહ્યો નથી. વધુ મહિલાઓ ફરિયાદ માટે આગળ આવી રહી છે અને ખરાત પીડિતોને જાતીય શોષણ કરતા પહેલા તેમને લલચાવવા માટે જે "પાણી" અથવા પ્રવાહીનો ઉપયોગ કરતો હતો તેની તપાસ હજુ બાકી છે, એમ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત મોબાઈલ ફોન સહિતના ડિજિટલ પુરાવાઓની તપાસ હજુ બાકી છે.

કેસ મોટો છે અને પૂછપરછ માટે અન્ય લોકોને આરોપી સમક્ષ લાવવા પડશે. તપાસકર્તાઓએ હજુ સુધી એ પણ નક્કી કર્યું નથી કે ગુનામાં કોઈ સાથીદાર સામેલ હતા કે નહીં. આ બધા માટે, ખરાતની ત્રણ દિવસની કસ્ટડી માંગવામાં આવી હતી. 

પીડિતાના વકીલે પણ કસ્ટડીની માંગનું સમર્થન કર્યું હતું. જયારે, બચાવ પક્ષના વકીલે પોલીસ જુના કારણો દોહરાવી રહી હોવાનું કહીને વિરોધ કર્યો હતો. દલીલો સાંભળ્યા પછી, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.વી. ભરાડેએ ખરાતની પોલીસ કસ્ટડી ૧ એપ્રિલ સુધી લંબાવી.