ભુજઃ વન્ય જીવો હવે માનવ વસાહતમાં આવી રહ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમાં વન્યજીવોની માનવ વસાહતો તરફની ઘૂસણખોરીને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અત્યારે પણ આવી જ એક ઘટના નખત્રાણા પંથકમાં બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નખત્રાણા પંથકના વેરસલપર અને ખીરસરા ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર મોડી સાંજે દીપડો નજરે પડતાં સમગ્ર પંથકના ગ્રામજનો અને માલધારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
વેરસલપરના સરપંચ રવિલાલ વાલાણીના જણાવ્યા પ્રમાણે, તેમના સંબંધી વાહન લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજે આશરે સાડા સાત વાગ્યાના સુમારે દીપડો રસ્તો ઓળંગતો સ્પષ્ટપણે દેખાયો હતો. વેરસલપર, રોહા-સુમરી અને દનણાના સીમાડા વિસ્તારમાં ત્રણથી ચાર દીપડા વસવાટ કરતા હોવાની સંભાવના છે. જેથી વન વિભાગને
વિભાપરના સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, દીપડાએ અગાઉ પણ વાછરડાં અને શ્વાન જેવાં પશુઓનું મારણ કર્યું છે અને રાત્રિના આઠ વાગ્યા બાદ તેની હિલચાલ વધી જાય છે. કુદરતી આવાસ ઘટતાં વન્યજીવો હવે માનવ વસાહતો તરફ વળ્યા છે. અગાઉ પંથકમાં દીપડાએ ઊંટનું પણ મારણ કર્યું હોવાના દાખલા છે. રાત્રિના સમયે ખેતરે જતાં ખેડૂતો અને નિર્જન સીમમાં પશુ ચરાવતા માલધારીઓ પર જોખમ તોળાતું હોવાથી વનવિભાગ દ્વારા તાકીદે પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સીમ વિસ્તારમાં પાંજરું ગોઠવીને આ દીપડાને ઝડપી લેવામાં આવે અને તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલમાં ખસેડવામાં આવે તેવી અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)