Sun May 10 2026

Logo

5મી વાર પુડુચેરીના મુખ્યમંત્રી બનશે રંગાસ્વામી, 13 મેએ શપથ ગ્રહણ સમારોહ

2026-05-10 13:13:00
Author: Mumbai Samachar Team
Article Image

પુડુચેરીઃ કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં 9 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં AINRC ના નેતૃત્વ હેઠળના NDA ના ભવ્ય વિજય બાદ, એન. રંગાસ્વામી પાંચમી વખત મુખ્યમંત્રી પદ સંભાળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે એન. રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા.

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના (નોટિફિકેશન) મુજબ, રાષ્ટ્રપતિએ એન. રંગાસામીને પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા અને આ નિમણૂક તેમના શપથ ગ્રહણની તારીખથી અમલમાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સૂચના બાદ ઉપરાજ્યપાલ કે. કૈલાશનાથને રંગાસ્વામીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

13મેના રોજ લેશે શપથ

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રંગાસ્વામી 13 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 9 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ (AINRC) ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ના શાનદાર વિજય બાદ, રંગાસ્વામી પાંચમી વખત મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળશે.

કોણ છે એન.રંગા સ્વામી?

એન.રંગા સ્વામી દક્ષિણ ભારતની સૌથી જાણીતી રાજકીય હસ્તીઓમાંના એક છે. તેઓ પુડુચેરીના મુખ્યમંત્રી છે અને ‘ઓલ ઇન્ડિયા એન.આર. કોંગ્રેસ’ (AINRC) ના સ્થાપક છે. તેમની કહાનીને જે બાબત ખાસ બનાવે છે તે એ છે કે, તેમણે પોતાની પ્રાદેશિક પાર્ટી શૂન્યમાંથી ઊભી કરી અને મુખ્યમંત્રી બન્યા.
રંગાસ્વામીનો જન્મ 4 ઓગસ્ટ 1950ના રોજ પુડુચેરીમાં થયો હતો. તેમનું પુરૂ નામ નટેસન કૃષ્ણસ્વામી ગૌડર રંગાસ્વામી છે અને તેમના માતા-પિતા નટેસન કૃષ્ણસ્વામી અને પાંચાલી છે. 
તેમણે પુડુચેરીના નાના એવા કેન્દ્રશાસિત પ્રદેશમાં એક રાજનેતા તરીકે ધીરે-ધીરે પ્રગતિ કરી. તેમનો પરિવાર એક સાધારણ પૃષ્ઠભૂમિ ધરાવતો હતો અને તેમના મૂળ સ્થાનિક સમુદાય સાથે જોડાયેલા હતા; આ ઉછેરે જ પાયાના સ્તરના શાસન અને જનકલ્યાણ પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણને આકાર આપ્યો.

પુડુચેરીમાં સર્વોચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ, તેઓ ખૂબ જ સાદુ અને વિનમ્ર જીવન જીવવા માટે જાણીતા છે. તેઓ અવિવાહિત છે અને પોતાની સાદગીભરી જીવનશૈલી માટે જાણીતા છે.
એન.રંગાસ્વાનીનો અભ્યાસ ક્યાં થયો?
એન. રંગાસ્વામીની શૈક્ષણિક સફર સાદી સીધી પણ ઉદ્દેશ્યપૂર્ણ રહી છે. તેમણે પુડુચેરીની ટેગોર આર્ટ્સ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક (B.Com) ની ડિગ્રી મેળવી હતી, અને ત્યારબાદ 1977 માં પુડુચેરીની જ ડૉ. આંબેડકર ગવર્મેન્ટ લો કોલેજમાંથી કાયદામાં સ્નાતક (LL.B) ની પદવી પ્રાપ્ત કરી હતી.

કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમણે  વકીલ તરીકે કામ કર્યું. તમિલનાડુના દિવંગત નેતા કે. કામરાજથી પ્રેરાઈને રંગાસ્વામી વકીલાત છોડીને ફૂલ ટાઇમ રાજકારણમાં આવી ગયા. આ નિર્ણયે ન માત્ર તેમનું જીવન બદલી નાખ્યું, પરંતુ પુડુચેરીના રાજકીય પરિદ્રશ્યને પણ હંમેશ માટે બદલી દીધું.

AINRCની સ્થાપના 
21 જાન્યુઆરી 2011ના રોજ તેમણે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ છોડી દીધી.  2011ની વિધાનસભા ચૂંટણી પહેલા , 7 ફેબ્રુઆરી 2011ના રોજ રંગાસ્વામીએ ઓલ ઇન્ડિયા એન.આર.કોંગ્રેસ (AINRC)ની સ્થાપના કરી. AINRC નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નો હિસ્સો બની ગઇ. અને 2021ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી  (BJP) અને AIADMK ની સાથે ગઠબંધન કરી લીધું .NDAએ 16 સીટ જીતી જેમાં AINRC એ 16માંથી 10 સીટ જીતી. BJP અને અપક્ષ ઉમેદવારોના સમર્થનથી રંગાસ્વામીએ 7 મે 2021ના રોજ ચોથી વાર પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.