Sun May 17 2026

Logo

બ્રહ્માજીના વરદાનનો તોડ કાઢવા ભગવાન વિષ્ણુએ રચ્યો 'અધિક માસ', જાણો તેને કેમ કહેવાય છે પુરુષોત્તમ માસ?

2026-05-17 08:11:00
Author: Darshana Visaria
Article Image

હિન્દુ પંચાંગ અનુસાર, દર ત્રણ વર્ષે એકવાર આવતા વધારાના મહિનાને 'અધિક માસ', 'મલમાસ' કે પછી 'પુરુષોત્તમ માસ' કહેવામાં આવે છે. વર્ષમાં આ 13મો મહિનો જોડાવા પાછળ એક અત્યંત રોચક અને પૌરાણિક કથા છે, જેનો સીધો સંબંધ દૈત્યરાજ હિરણ્યકશ્યપના વધ અને ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર સાથે છે. આજથી એટલે કે 17મી મેથી શરૂ થઈ રહેલાં અધિક માસ નિમિત્તે આજે આપણે આ પૌરાણિક કથા વિશે વિસ્તારથી જાણીશું...

શ્રીમદ્ ભાગવત પુરાણમાં વર્ણવ્યા અનુસાર, મહર્ષિ કશ્યપ અને અદિતિના પુત્ર હિરણ્યકશ્યપે અમર થવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી હતી. બ્રહ્માજી પ્રસન્ન થતાં તેણે એક ખૂબ જ જટિલ વરદાન માંગ્યું. તેમણે શરત મૂકી કે બ્રહ્માજી દ્વારા સર્જાયેલા જીવોમાંથી કોઈ પણ તેનું મૃત્યુનું કારણ ના બની શકે. આ ઉપરાંત તે ન ઘરની અંદર મરે ન બહાર, ન દિવસે મરે ન રાત્રે, ન કોઈ અસ્ત્રથી મરે ન શસ્ત્રથી, ન પૃથ્વી પર મરે ન આકાશમાં, અને ન કોઈ મનુષ્ય, પશુ, દેવ કે દૈત્ય તેમનો વધ ના કરી શકે. 

આ સાથે સાથે જ હિરણ્યકશ્યપે છેલ્લી અને સૌથી મહત્વની શરત એ મૂકી કે બ્રહ્માજીએ રચેલા વર્ષના 12 મહિનાઓમાંથી એકપણ મહિનામાં તેમનું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ 'તથાસ્તુ' કહેતાની સાથે જ હિરણ્યકશ્યપ અહંકારમાં અંધ બની ગયો અને તેમણે સ્વર્ગ પર કબજો કરી પોતાને ભગવાન જાહેર કર્યા, જેને કારણે અત્રતત્ર સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો.

હિરણ્યકશ્યપનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો, જે દૈત્યરાજને બિલકુલ મંજૂર નહોતું. તેણે પ્રહલાદની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માટે તેને પહાડ પરથી ફેંકાવ્યો, પાગલ હાથીના પગ નીચે કચડાવ્યો અને પોતાની બહેન હોલિકાની ગોદમાં બેસાડી જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો.

હવે જ્યારે હરિણ્યકશ્યપના પાપનો ઘડો ભરાઈ ગયો, ત્યારે ભક્ત પ્રહલાદની રક્ષા માટે સ્વયં ભગવાન વિષ્ણુએ 'નરસિંહ અવતાર' લીધો, જેનું શરીર અડધું મનુષ્ય અને અડધું સિંહનું હતું. ભગવાને બ્રહ્માજીના વરદાનની તમામ શરતોનું ધ્યાન રાખીને હિરણ્યકશ્યપનો વધ કર્યો. તેમણે દિવસ અને રાતની વચ્ચેના સમય એટલે કે ગોધૂલિ વેળાએ, મહેલની ઉંબરા પર પોતાની જાંઘ પર બેસાડીને પોતાના તીક્ષ્ણ નખોથી હિરણ્યકશ્યપની છાતી ચીરી નાખીને તેમનો વધ કર્યો.

સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ વધ વર્ષના 12 મહિનામાંથી એકપણ મહિનામાં નહોતો થયો. ભગવાને હિરણ્યકશ્યપના વરદાનને નિષ્ફળ બનાવવા માટે વર્ષનો એક વધારાનો 13મો મહિનો ઉત્પન્ન કર્યો, જેને આપણે 'અધિક માસ' તરીકે ઓળખીએ છીએ. આ 13મા મહિનામાં જ ભગવાન નરસિંહે અધર્મનો નાશ કર્યો હતો. આ મહિનો ભગવાન વિષ્ણુ (પુરુષોત્તમ) દ્વારા પોતાના ભક્તની રક્ષા કાજે બનાવવામાં આવ્યો હોવાથી તેને 'પુરુષોત્તમ માસ' પણ કહેવામાં આવે છે, જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને દાન-પુણ્ય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 

આ પૌરાણિક કથા તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ અભિવૃદ્ધિ કરજો. અધિક માસ દરમિયાન આવી જ અવનવી પૌરાણિક કથાઓ અને માહિતી મેળવવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.