Fri May 29 2026

Logo

ડીપી વર્લ્ડના મુંદ્રા ટર્મિનલથી વર્ષ 2035 સુધીમાં ભારતના જીડીપીમાં $9.2 બિલિયનનો જંગી વધારો થઈ શકે છે: ઓક્સફર્ડ ઇકોનોમિક્સનો અહેવાલ

2026-05-29 11:33:00
Author: Mumbai Samachar Team
Article Image

 ભુજઃ વૈશ્વિક લોજિસ્ટિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની ‘ડીપી વર્લ્ડ’ દ્વારા સંચાલિત મુંદરા કન્ટેનર ટર્મિનલ આગામી વર્ષ 2035 સુધીમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માં 9.2 બિલિયન યુએસ ડોલર (આશરે રૂ 75,000 કરોડથી વધુ)નો માતબર ઉમેરો કરી શકે છે. પ્રતિષ્ઠિત સંસ્થા ‘ઓક્સફર્ડ ઇકોનોમિક્સ’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણનો હવાલો આપતાં પોર્ટના ઓપરેટરે આ સત્તાવાર જાહેરાત કરી છે.

અહેવાલની વિગતો અનુસાર, વર્ષ 2024માં આ ટર્મિનલે ભારતીય જીડીપીમાં 128.9 મિલિયન યુએસ ડોલરનું સીધું યોગદાન આપ્યું હતું. જોકે, આગામી સમયમાં દરિયાઈ સંકલન અને કનેક્ટિવિટી વધુ મજબૂત થવાને કારણે આ ટર્મિનલ માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, પરંતુ વર્ષ 2035 સુધીમાં દેશની નિકાસમાં પણ વધારાના 6.4 બિલિયન યુએસ ડોલરની વૃદ્ધિ લાવવા માટે મુખ્ય ઉદ્દીપક સાબિત થશે.

 વર્ષ 2003માં દેશના એક બિન-મુખ્ય (નોન-મેજર) બંદર પર ભારતના સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ કન્ટેનર ટર્મિનલ તરીકે કાર્યરત થયેલા આ મુંદરા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (એમઆઈસીટી)એ અત્યાર સુધીમાં 1.9 કરોડથી વધુ કન્ટેનર્સનું સફળ હેન્ડલિંગ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

હાલમાં આ ટર્મિનલ ભારતને વિશ્વના 73 વૈશ્વિક બંદરો સાથે સીધું જોડે છે. અદ્યતન માળખાકીય સુવિધાઓને કારણે તે અતિ વિશાળ કન્ટેનર જહાજો (અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસેલ્સ)ને સમાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યો સાથે મલ્ટિમોડલ રેલ કનેક્ટિવિટી દ્વારા જોડાયેલું હોવાથી સપ્લાય ચેઈન અત્યંત કાર્યક્ષમ બની છે, જેનાથી ભારતીય ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બન્યા છે.

ડીપી વર્લ્ડના કન્ટ્રી મેનેજર હેમંત કુમાર રુઇયાએ આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે,"જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વ્યાપક સ્તર, કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, ત્યારે તે આર્થિક વિકાસ અને સામાજિક પ્રગતિ બંને માટે એક શક્તિશાળી ચાલકબળ બની જાય છે. ડીપી વર્લ્ડ મુંદરા ખાતે રોજગારીની ઉત્કૃષ્ટ તકોનું સર્જન, કૌશલ્ય વર્ધન અને સ્થાનિક વ્યવસાયો તેમજ સમુદાયો માટે પ્રગતિના નવા દ્વાર પણ ખુલી રહ્યા છે.

ઉત્સવ વૈદ્ય