Fri Sep 04 2026

Logo

મુન્દ્રામાં જમીન કૌભાંડ: લુણીમાં બોગસ સાટાકરાર બનાવી મુંબઈના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો

2026-05-23 13:53:00
Author: Mumbai Samachar Team
મુન્દ્રામાં જમીન કૌભાંડ: લુણીમાં બોગસ સાટાકરાર બનાવી મુંબઈના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો

ભુજઃ મુન્દ્રા તાલુકાના લુણી ગામની કિંમતી જમીન પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજોના આધારે એક પ્રૌઢ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો મામલો બહાર આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો

મૂળ લુણીના અને હાલ મુંબઈ ખાતે સ્થાયી થયેલા એક વૃદ્ધ વેપારીની માલિકીની જમીન સસ્તા ભાવે પડાવી લેવા માટે ત્રણ શખ્સોએ નકલી સાટાકરાર બનાવી કોર્ટને પણ ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર વિવાદિત બનાવ ગત તારીખ ૧૩-૧૨-૨૦૨૫થી લઈને આજદિન સુધીના સમયગાળા દરમિયાન પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મુંબઈ ખાતે રહેતા મૂળ લુણીના ૬૬ વર્ષીય પ્રફુલ્લ નરશી શાહે આરોપીઓ હિમાંશુ નવીન મકવાણા, નીતિન ઉમરશી ભાનુશાલી અને યોગેશ આયડી સામે મુંદરા પોલીસ મથકે છેતરપિંડી અને કાવતરા સહિતની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

લુણી ગામની સીમમાં ફરિયાદી પ્રફુલ્લભાઈની માલિકીની કિંમતી જમીન આવેલી છે. આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર જમીનના બોગસ અને નકલી સાટાકરાર તૈયાર કર્યા હતા, જેમાં ખોટી સહીઓ, સરકારી સિક્કાઓ અને અંગૂઠાના નિશાન કરીને બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો હતો. આ ત્રણેય શખ્સોએ આ કૂટ દસ્તાવેજો સાચા હોવાનો દાવો કરીને જમીન પોતાના નામે કરાવવા માટે મુંદરા કોર્ટમાં 'સ્પેશિયલ દિવાની દાવો' પણ દાખલ કરી દીધો હતો.

કોર્ટ કાર્યવાહી દરમિયાન જમીન માલિકને આ સમગ્ર કાવતરાની ગંધ આવી જતાં તેમણે તાત્કાલિક કાયદાકીય પદ્ધતિથી તપાસ કરાવી હતી, જેમાં સાટાકરાર સંપૂર્ણપણે નકલી હોવાનું સાબિત થયું હતું. મુન્દ્રા પોલીસે ભોગ બનનાર વૃદ્ધની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી, સરકારી કાગળો અને સિક્કાઓનો દુરુપયોગ કરવાના તથા છેતરપિંડી આચરવાના મુદ્દે તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)