Wed Jun 10 2026

Logo

મુન્દ્રાનું એરપોર્ટ હવે સામાન્ય મુસાફરો માટે ધમધમશે: ૨૩ જૂનથી વિમાની સેવાઓનો થશે પ્રારંભ

2026-06-10 14:49:22
Author: Mayur Patel
Article Image

ભુજઃ કચ્છના ઔદ્યોગિક હબ એવા બંદરીય મુંદરા પંથકના પ્રવાસીઓ માટે લાંબા સમયની પ્રતીક્ષાનો આખરે સુખદ અંત આવ્યો છે. અત્યાર સુધી માત્ર અદાણી ગ્રુપના ખાનગી વપરાશ પૂરતા સીમિત રહેલા મુન્દ્રા એરપોર્ટને હવે કમર્શિયલ એટલે કે સામાન્ય નાગરિકોની અવરજવર માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આગામી ૨૩મી જૂનથી 'સ્ટાર એર' કંપની દ્વારા અહીંથી નિયમિત વિમાની સેવાઓ શરૂ કરવામાં આવશે. આ એરપોર્ટને 'એમડીએ' કોડ ફાળવવામાં આવ્યો છે અને સામાન્ય પ્રવાસીઓ માટે ૧૦૦ મુસાફરોની ક્ષમતાવાળું એક આધુનિક પેસેન્જર ટર્મિનલ પણ સજ્જ કરી દેવાયું છે.

અગાઉ આ સેવા એપ્રિલ માસમાં શરૂ થવાની ધારણા હતી, પરંતુ એરપોર્ટને પ્રાઇવેટમાંથી પબ્લિક કેટેગરીમાં રૂપાંતરિત કરવા માટેની સત્તાવાર પ્રક્રિયા, સીમાવર્તી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ સરકારી મંજૂરીઓ મેળવવામાં વિલંબ થયો હતો. હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં ૨૩ જૂનથી મુંદરાના આકાશમાં જેટ પ્લેન ઉડાન ભરશે. નવી ફ્લાઇટ શિડ્યુલ અનુસાર, મુંદરાથી મુંબઈ, હિંડન (દિલ્હી એનસીઆર') ગોવા અને સુરત માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત મુન્દ્રા થઈને કનેક્ટિંગ ફ્લાઈટ્સ મારફતે પ્રવાસીઓ બેંગલુરુ, નાંદેડ, કોલ્હાપુર અને બેલગાવી જેવા દેશના મહત્વના શહેરો સાથે વન-સ્ટોપ કનેક્ટિવિટીથી જોડાઈ શકશે.

કેટલું હશે ભાડું

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુન્દ્રાથી શરૂ થઈ રહેલી આ હવાઈ સેવાનું ભાડું પણ પ્રમાણમાં વ્યાજબી  રાખવામાં આવ્યું છે. મુન્દ્રાથી સુરતનું શરૂઆતી ભાડું રૂા. ૩,૦૦૦, મુંબઈ માટે રૂા. ૪,૫૦૦ તેમજ દિલ્હી અને ગોવા માટે રૂા. ૫,૧૦૦થી શરૂ થશે. આ તમામ રૂટ્સ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગનો પ્રારંભ પણ કરી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના મુન્દ્રા અને કંડલા બંદરો તેમજ અહીં આવેલી હજારો મોટી ઔદ્યોગિક કંપનીઓને કારણે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલ્સની અવરજવર સતત રહે છે. હાલમાં ભુજ એરપોર્ટ પરથી મુંબઈની ત્રણ, તેમજ દિલ્હી અને સુરતની એક-એક મળીને માત્ર ૫ ફ્લાઇટ્સ જ કાર્યરત છે. વળી, કંડલા એરપોર્ટનો રનવે નાનો હોવાના કારણે ત્યાંથી ચાલતી એકમાત્ર સ્પાઇસજેટની ફ્લાઇટ પણ ગત ૨૨ એપ્રિલથી બંધ થઈ ચૂકી છે.

આ પરિસ્થિતિમાં મુન્દ્રા એરપોર્ટ શરૂ થવું એ ગાંધીધામ અને અંજાર સંકુલના પ્રવાસીઓ માટે કંડલા એરપોર્ટનો શ્રેષ્ઠ અને સક્ષમ વિકલ્પ સાબિત થશે. ઉડ્ડયન ક્ષેત્રના વિશ્લેષકોના મતે, મુન્દ્રાથી નવી એરલાઇન્સ આવવાના કારણે આ ક્ષેત્રમાં હરીફાઈ વધશે, જે આગામી સમયમાં અન્ય એરલાઇન્સના ભાડાં પર પણ અંકુશ લાવવામાં મદદરૂપ થશે.