(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં હાલ પાણીનો જથ્થો ૩૬ ટકા છે. આગામી દિવસોમાં ઉનાળાની આકરી ગરમીને કારણે પાણીના બાષ્પીભવને કારણે પાણીના સ્તરમાં હજી ઘટાડો થવાની શક્યતા છે ત્યારે છેલ્લા ૧૦ વર્ષથી આ જળાશયોના તળિયામાંથી કાદવ કાઢવામાં આવ્યો ન હોવાને કારણે તેની પાણી સંઘરવાની ક્ષમતામાં ઘટાડો થયો હોવાની શકયતા છે. તેથી નગરસેવકોએ આ જળાશયોનો સાયન્ટિફિકલી સર્વે કરવાની માગણી પ્રશાસન સમક્ષ કરી છે.
મુંબઈને પ્રતિ દિન સાત જળાશયોમાંથી પાણીપુરવઠો કરવામાં આવે છે, જેમાં તુલસી અને વિહાર મુંબઈ ઉપનગરમાં આવેલા છે, જયારે તાનસા, ભાતસા, મિડલ વૈતરણા, અપર વૈતરણા અને મોડક સાગર નાશિક, પાલઘર અને થાણે જિલ્લામાં આવેલા છે. દર વર્ષે ચોમાસામાં આ સાતેય જળાશયોમાં પાણી ભરાય છે અને એ બાદ આખું વર્ષ મુંબઈગરાને આ સાતેય જળાશયોમાંથી પાણીપુરવઠો કરવામાં આવે છે.
એપ્રિલ અને મે મહિનામાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે જ મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોમાં પાણીનું સ્તર પણ ઘટવાની શકયતા છે. પાણીની વધતી માગ અને ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થતું હોવાથી તેની અસર હેઠળ પાણીનું સ્તર પણ ઘટી જાય છે. તેમાં પાછું વર્ષોથી એટલે કે લગભગ ૨૦૧૫ની સાલથી આ જળાશયોના તળિયામાં જમા થયેલા કાંપ, કાદવને સાફ કરવામાં આવ્યો નથી. તેથી જળાશયોની પાણી સ્ટોર કરવાની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે, જે મુંબઈગરાની પાણીની સમસ્યાને ગંભીર બનાવી શકે છે.
કૉંગ્રેસની નગરસેવિકા આયશા વાનુએ પ્રશાસન સમક્ષ એક પ્રસ્તાવ રાખ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે મુંબઈને પાણી પૂરું પાડનારા તળાવોમાં મોટા પ્રમાણમાં કાંપ જમા થવાને કારણી પાણી સંઘરવાની ક્ષમતા ઘટી ગઈ છે. તેથી ઉનાળામાં પાણીની સમસ્યા નિર્માણ થઈ શકે છે. પહેલાથી મુંબઈના અનેક વિસ્તારોમાં ઓછું પાણી મળતી હોવાની ફરિયાદ થઈ રહી છે, તેમાં પાછું જો જળાશયોમાં પણ પાણી ઓછું સંઘરવામાં આવે તો ઉનાળામાં પાણી પુરવઠાને અસર થઈ શકે છે.મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોનો વૈજ્ઞાનિક રીતે સર્વે કરવો જોઈએ અને આ તળાવોમાંથી તબક્કાવાર કાંપ-કચરો દૂર કરવો જોઈએ.
પાલિકાના રેકોર્ડ અનુસાર ૨૦૧૫ની સાલથી સાતેય જળાશયોમાંથી કાંપ કાઢવામાં આવ્યો નથી. જળાશયોના તળિયામાં જમા થયેલી માટી અને કાદવને દૂર કરવું આવશ્યક છે. કાંપ જમા થવાની કોઈ પણ જળાશયોની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર એન્જિનિયિરિંગ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ તાનસા અને મિડલ વૈતરણા બંધ પર હાથ ધરવામાં આવેલા સિલ્ટ સર્વે (કાંપ સર્વેશ્રણ)માં જાણવા મળ્યું હતું કે તેની સંગ્રહ ક્ષમતામાં ૦.૦૨ ટકાનો નજીવો ઘટાડો થયો છે. સંસ્થાના મને જોકે આ ઘટાડો નજીવો છે અને તેથી પાણીપુરવઠાની ક્ષમતામાં કોઈ અસર થતી નથી.
હાલ મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૩૫ ટકા પાણી છે. સામાન્ય રીતે એક ટકા પાણી ત્રણ દિવસ સુધી ચાલે છે. એટલે હાલનો પાણીનો જથ્થો જૂન સુધી ચાલશે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૩૨.૪૬ ટકા પાણીનો જથ્થો હતો. તો ૨૦૨૪માં ૨૯.૯૮ ટકા પાણીનો જથ્થો હતો.