(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુધરાઈ સંચાલિત સાયન હૉસ્પિટલના પરિસરમાં મંગળવારે મોડી રાતે ગૅસ પાઈપલાઈનમાં ગળતર થવાની ફરિયાદ આવી હતી. ગૅસની વાસ પરિસરમાં આવતા થોડા સમય માટે હૉસ્પિટલ પરિસરમાં દર્દીઓના સંબંધી સહિત કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ સાયન હૉસ્પિટલના કૅમ્પસમાં કોલેજ બિલ્િંડગ નજીકના ગેટ નંબર એક પાસે ગૅસ ગળતરની ફરિયાદ મંગળવારે રાતના ૧૧ વાગ્યાની આસપાસ આવી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ ચાર ફાયર ઍન્જિન અને અન્યફાયર ફાઈટિંગ વેહિકલ સાથે પહોંચી ગઈ હતી. તપાસ દરમ્યાન ગળતર મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ)ની પાઈપલાઈનમાં થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી તાત્કાલિક એમજીએલના અધિકારી, ફાયરબિગ્રેડ સહિત પોલીસે સુરક્ષા પગલા તરીકે પાઈપલાઈનનું કનેકશન બંધ કરી દીધું હતું અને બાદમાં એમજીએલ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
મધ્ય મુંબઈમાં આવેલી પાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓની ભીડ રહેતી હોય છે. રાતના સમયે પણ હૉસ્પિટલના પરિસરમાં મોટી સંખ્યામાં દર્દીઓના સંબંધી રહેતા હોય છે. તેથી ગૅસ ગળતરને કારણે હૉસ્પિટલ પ્રશાસન તરત અલર્ટ થઈ ગયું હતુંં. જોકે સદ્નસીબે ગળતર બંધ કરવામાં સફળતા મળતા મોટી દુર્ઘટના ટળી હતી.