(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ)ના નગરસેવકોએ મરોલ ખાતે આવેલી સેવનહિલ્સ હોસ્પિટલને ખાનગી કંપનીને સોંપવાનો પ્રસ્તાવનો વિરોધ કરતા બુધવારે પાલિકાની સુધાર સમિતિએ પ્રસ્તાવ પાછો પાલિકા પ્રશાસનને મોકલ્યો હતો.
આ પ્રસ્તાવને નકારવામાં નહોતો આવ્યો પરંતુ સમિતિની બેઠકમાં ગરમાગરમ ચર્ચા બાદ તેને પુનર્વિચારણા માટે વહીવટીતંત્રને પરત કરવામાં આવ્યો હોવાનું સમિતિનાં અધ્યક્ષે જણાવ્યું હતું.
વિરોધપક્ષે દલીલ કરી હતી કે જ્યારે જાહેર હોસ્પિટલો પર દબાણ વધુ છે ત્યારે પાલિકાએ મોકાની જગ્યા અને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાથી પોતાના હાથ ખંખેરવા જોઈએ નહીં.
કોંગ્રેસના નગરસેવક મેહર હૈદરે કહ્યું હતું કે પાલિકાએ પોતાની જમીન ખાનગી સંસ્થાઓને ન આપવી જોઈએ. આ પાલિકાની જગ્યા છે, આપણી હોસ્પિટલ છે. આપણે તેને શા માટે ખાનગી સંસ્થાને આપી રહ્યા છીએ? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
શિવસેના (ઉદ્ધવ) ના નગરસેવક સચિન પડવળે વહીવટીતંત્ર દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા. સેવનહિલ્સ હોસ્પિટલમાં અગાઉની ખાનગી ભાગીદારીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખવો જોઈએ. ચાર વર્ષ સુધી ચૂંટણીઓ નહોતી થઈ અને આટલી મોટી જમીન હવે ફરીથી સોંપવામાં આવી રહી છે.
૧૫ ડિસેમ્બરે એનઓસી જારી કરવામાં આવી હતી જ્યારે પાલિકાની ચૂંટણીઓ માટે આચારસંહિતા ૧૫ ડિસેમ્બરે અમલમાં આવવાની હતી. આટલી ઉતાવળમાં કેમ કરવામાં આવ્યું? આ બાબતની તપાસ થવી જોઇએ.
કોંગ્રેસના જૂથના નેતા અશરફ આઝમીએ કહ્યું હતું કે શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલો પહેલાથી જ કામના દબાણ હેઠળ છે અને ખાનગી ઓપરેટર દ્વારા અગાઉની શરતોના કથિત ઉલ્લંઘન છતાં વહીવટીતંત્ર મિલકત પાછી મેળવવામાં નિષ્ફળ ગઈ છે. જ્યારે શરતોનું ઉલ્લંઘન થયું ત્યારે જગ્યા કેમ જપ્ત ન કરી? આ પૂર્વયોજિત લાગે છે. પાલિકાએ આ હોસ્પિટલને બચાવવાની છે. આ વિરોધ પક્ષ કે શાસક પક્ષ વિશે નથી પણ જાહેર જમીનનું રક્ષણ કરવાની તમામ લોકોની ફરજ હોવાનું તેમણે કહ્યું હતું.
આઝમીએ અગાઉના કરારને રદ કરવા અને પ્રસ્તાવની સમીક્ષા કરવાની માગણી પણ કરી હતી.
બાંદ્રા પશ્ચિમના કોંગ્રેસના નગરસેવક રાજા રહેબર ખાને કહ્યું હતું કે પ્રતિ ચોરસ ફૂટ હજારો રૂપિયાની જમીન પાણીના ભાવે કેમ આપવામાં આવી રહી છે એ બાબતે નાગરિકો નગરસેવકોને સવાલ કરે છે.
શિવસેના (ઉદ્ધવ) ના નગરસેવક વિશાખા રાઉતે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન સેવનહિલ્સ હોસ્પિટલે કેવી રીતે મુખ્ય ભૂમિકા ભજવી હતી તે યાદ કર્યું અને દલીલ કરી કે પાલિકા પોતાના દમ પર હોસ્પિટલો ચલાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. કોવિડ દરમિયાન ત્યાં લાખો દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આવતીકાલે આપણી આગામી પેઢી આ હોસ્પિટલ ખાનગી સંસ્થાને આપવા બદલ અમને દોષી ઠેરવશે.
આજે સેવનહિલ્સ છે, કાલે કેઈએમ અને સાયન પણ એ જ રીતે ખાનગી કંપની ને જઈ શકે છે. પાલિકાની જમીન જનતા માટે રહેવી જોઈએ.
સેવેનહિલ હોસ્પિટલ પ્રોજેક્ટ વર્ષોથી વિવાદાસ્પદ રહ્યો છે, કારણ કે અગાઉની જાહેર-ખાનગી ભાગીદારી નાણાકીય અને કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે મહામારી દરમિયાન પાલિકાએ કામગીરી સંભાળી લીધી હતી.