Thu Jul 23 2026

Logo

વરસાદ તો થોડો જ આવ્યો, પણ ઠંડો પવન લઈને આવ્યો

2026-06-22 17:55:31
Author: Yogesh C. Patel
Article Image

શહેરના વરલી વિસ્તારમાં તો પશ્ર્ચિમી પરામાં બાન્દ્રામાં સૌથી વધુ વરસાદની નોંધ: ઠંડા પવને વાતાવરણ ખુશનુમા બનાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લાંબી રાહ જોવડાવ્યા બાદ રવિવારે થયેલા આગમન પછી સતત બીજે દિવસે, સોમવારે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જોકે પ્રમાણમાં વરસાદ થોડો જ આવ્યો હોવા છતાં દિવસભર વાતા ઠંડા પવને મુંબઈગરાઓને ગરમીમાંથી ઘણી રાહત અપાવી હતી. સવારના સમયે માત્ર એક કલાક પડેલા વરસાદે વાતાવરણ ખુશનુમા બનાવી દીધું હતું.

રવિવારે સવારે મુંબઈમાં થયેલા વરસાદના આગમનને કારણે મુંબઈગરાંએ હાશકારો અનુભવ્યો હતો. સતત બીજે દિવસે સોમવારે પણ આવેલા વરસાદને કારણે લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી ઘણી રાહત મળી હતી. સવારે છથી સાત વાગ્યા દરમિયાનના એક કલાકના વરસાદે અને ઠંડા પવને ગરમ વાતાવરણને ઠંડકમાં ફેરવી દીધું હતું.

પાલિકાના આંકડા દર્શાવે છે કે શહેરના વરલી નાકા ખાતે આવેલી સાવિત્રીબાઈ ફુલે બીએમસી સ્કૂલમાં 61 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. જી-એસ વૉર્ડમાં 58 તો મલબાર હિલમાં 44 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરલી ફાયર સ્ટેશન પાસે 42 અને એફ-એસ વૉર્ડમાં 41 મિ.મી. વરસાદ વરસ્યો હતો.

પશ્ર્ચિમી પરામાં સૌથી વધુ વરસાદ બાન્દ્રામાં નોંધાયો હતો. બાન્દ્રાની પાલી ચિમબાઈ સ્કૂલ અને સુપારી ટૅન્ક બીએમસી સ્કૂલમાં 70-70 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. જોકે પૂર્વ પરામાં નોંધપાત્ર વરસાદ પડ્યો નહોતો, એવું પાલિકાનું કહેવું છે.

સામાન્ય રીતે ચોમાસું 10 જૂનની આસપાસ મુંબઈ પહોંચી જાય છે, પરંતુ આ વર્ષે તેના આગમનમાં વિલંબ થયો છે. આ મહિનાની શરૂઆતમાં ચોમાસું દક્ષિણ કોંકણમાં આગળ વધ્યું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે તેની ગતિ અટકી ગઈ હતી.

સોમવારે સવારે શહેરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને પગલે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરિણામે અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.
જોકે વરસાદને કારણે પાણી ભરાયાં હોય કે વરસાદી દુર્ઘટના બની હોય એવી કોઈ નોંધ પાલિકામાં થઈ નહોતી. જાહેર પરિવહન સેવાને પણ ખાસ કોઈ અસર થઈ નહોતી.