Fri Jul 24 2026

Logo

Mumbai Pune Missing Link: ૧,૦૦૦ વર્ષના રેકોર્ડ સાથે IIT મુંબઈ તૈયાર કર્યો પ્લાન, ભૂસ્ખલનથી સુરક્ષિત રહેશે આ પ્રોજેક્ટ!

2026-07-24 15:17:31
Author: Mumbai Samachar Team
Article Image

ANI


મુંબઈ: મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર ઘટાડવાના હેતુથી રૂપિયા 7,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા મુંબઈ-પુણે એક્સપ્રેસવેના મહત્વકાંક્ષી ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટ પર છઠ્ઠી જુલાઈના રોજ થયેલા મોટા ભૂસ્ખલનને પગલે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. લોનાવલા અને ઘાટ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન બનેલી આ ઘટના બાદ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા દેશની પ્રખ્યાત ટેકનિકલ સંસ્થા IIT મુંબઈના નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી.

આઈઆઈટી મુંબઈના નિષ્ણાતોની ટીમે સ્થળ તપાસ હાથ ધરીને પોતાનો તપાસ અહેવાલ રજૂ કર્યો છે, જેના આધારે એમએસઆરડીસી દ્વારા એક મજબૂત અને નવો સુરક્ષા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

IIT મુંબઈની મુખ્ય અને મહત્વપૂર્ણ ભલામણ-
ઘાટ વિસ્તારમાં આવેલા કાચા અને જોખમી પથ્થરોને નીચે રસ્તા પર પડતા અટકાવવા માટે અત્યંત મજબૂત સ્ટીલ/લોખંડની જાળીઓ લગાવવામાં આવશે. આ ઉપરાંત, છૂટા પથ્થરોને ખાસ રોક-એન્કરિંગ પદ્ધતિથી પહાડ સાથે જ સ્થિર કરી દેવાશે. પહાડી વિસ્તારનો વધુ પડતો તીવ્ર ઢાળ ભૂસ્ખલન માટે મુખ્ય જવાબદાર પરિબળ હોય છે. તેથી ઢાળની તીવ્રતા ઘટાડીને તેને વધુ સ્થિર બનાવવામાં આવશે. રિપોર્ટમાં સૌથી મહત્વપૂર્ણ બાબત પહાડી પરથી વહેતા પાણી અંગે દર્શાવાઈ છે. પુણે તરફની ટનલના ઉપરના ભાગેથી વહેતા વરસાદી પાણીના કુદરતી પ્રવાહને ડાયવર્ટ કરવામાં આવશે, જેથી મુસળધાર વરસાદ દરમિયાન પાણી સાથે માટી અને પથ્થરો ખસીને સીધા રસ્તા પર ન આવે.

100 નહીં, પણ 1,000 વર્ષના વરસાદી ડેટાનો અભ્યાસ!
આ રિપોર્ટની સૌથી ખાસ વાત એ છે કે IIT મુંબઈના નિષ્ણાતોએ ભૂસ્ખલન વિરોધી ઉપાયો સૂચવતી વખતે માત્ર સામાન્ય 100 વર્ષના વરસાદના આંકડા ધ્યાને લેવાને બદલે છેલ્લા 1,000 વર્ષના વરસાદના ડેટાનો અભ્યાસ કર્યો છે. તેના આધારે ભવિષ્યમાં થનારી અતિભારે કે વાદળ ફાટવા જેવી વરસાદી હોનારત સામે પણ આ પ્રોજેક્ટ અકબંધ રહે તે પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

ચોમાસા પછી અમલમાં આવશે કાયમી ઉપાયો
એમએસઆરડીસીના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર રાહુલ વસાઈકરે જણાવ્યું હતું કે, આઈઆઈટી  મુંબઈનો અહેવાલ મળ્યો છે અને ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરવામાં આવશે. અહેવાલમાં સૂચવ્યા મુજબના કેટલાક તાત્કાલિક સુરક્ષા ઉપાયો અત્યારે જ હાથ ધરાશે, જ્યારે મોટા અને કાયમી સુરક્ષાત્મક પગલાં આ ચોમાસું પૂરું થયા બાદ અમલમાં મૂકાશે.

તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે આ તમામ સુરક્ષા પગલાં પૂર્ણ થયા બાદ મિસિંગ લિંક 1,249 મિલીમીટર જેટલો અતિભારે વરસાદ પડવા છતાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.