Sun Mar 08 2026

Logo

મુંબઈ-પુણે હાઈવેના મુસાફરોને મળશે રૂ. 5.16 કરોડ, જાણો કોના ખાતામાં આવશે આ રકમ?

1 week ago
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગેસ ટેન્કર ઊંધુ વળી જતાં હજારો વાહનો 33 કલાક સુધી ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. હવે આ વાહનચાલકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના એક અધિકારી દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. હવે એક લાખ વાહનચાલકોને કુલ 5.16 કરોડ રૂપિયાનો ટોલ રિફન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

ત્રીજી ફેબ્રુઆરીના રોજ મુંબઈ-પુણે એક્સપ્રેસવેના ખોપોલી સેક્શનમાં એક ભયાનક ગેસ ટેન્કર પલટી જવાની ઘટના બની હતી. આ અકસ્માતને કારણે હાઈવે પર સતત ૩૩ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જેમાં હજારો મુસાફરો અને વાહનચાલકો લાંબો સમય સુધી ખોરાક, પાણી અને પ્રાથમિક સુવિધાઓ વિના ફસાયેલા રહ્યા હતા.

એક્સિડન્ટની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ટોલ વસૂલી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ, આ આદેશ અમલમાં આવે તે પહેલાં જ અનેક વાહનચાલકોના ફાસ્ટેગ (FASTag) એકાઉન્ટમાંથી ટોલના પૈસા કપાઈ ગયા હતા. હવે સરકાર દ્વારા આ મામલે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) દ્વારા અંદાજિત એક લાખ વાહનચાલકોને 20 દિવસ બાદ કુલ રૂપિયા 5.16 કરોડની રકમ પરત કરવામાં આવશે. જે વાહનચાલકો તે સમયે ટ્રાફિકમાં ફસાયેલા હતા અને જેમની પાસેથી ટોલ લેવામાં આવ્યો હતો, તે તમામ અસરગ્રસ્તોને આ રકમ મળશે.

કઈ રીતે ક્લેઈમ કરશો રિફંડ?
વાત કરીએ જો તમે પણ આ મહાટ્રાફિક જામમાં ફસાયા હોવ અને ટોલ રિફન્ડ ક્લેઈમ કરવા માંગતા હોવ એની તો વાહનચાલકોએ આ માટે કોઈ અરજી કરવાની જરૂર નથી. રિફંડની રકમ આગામી થોડા દિવસોમાં સીધી તેમના ફાસ્ટેગ એકાઉન્ટમાં જ જમા કરી દેવામાં આવશે.

આશરે ૩૩ કલાક સુધી વાહનચાલકોએ જે હાલાકી ભોગવી હતી, તેના વળતરરૂપે આ એક નાનકડો પણ મહત્વનો પ્રયાસ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જે વાહનોના પૈસા સિસ્ટમ દ્વારા આપમેળે કપાયા હતા, તેમનો ડેટા એકત્ર કરી લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ તમામના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે.