Wed Aug 19 2026

Logo

મુંબઈ વન એપે રચ્યો ઈતિહાસ: 10 મહિનામાં 1 કરોડથી વધુ ટિકિટ બુકિંગ અને 8 લાખથી વધુ ડાઉનલોડ

2026-08-12 18:36:10
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (MMRDA) દ્વારા વિકસાવવામાં આવેલી 'મુંબઈ વન' એપે સફળતાનું નવું શિખર સર કર્યું છે. મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) દ્વારા વિકસાવેલી મોબિલિટી એપએ લોન્ચ થયાના માત્ર 10 મહિનામાં 1 કરોડથી વધુ ટિકિટ બુકિંગનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો હતો. અત્યાર સુધીમાં ‘મુંબઈ વન’ મારફતે મેટ્રો, ઉપનગરી લોકલ અને વિવિધ બસ સેવાઓની કુલ 1,04,11,824 ટિકિટ બુક થઈ ચૂકી છે. સાથે જ એપના અત્યાર સુધીમાં 8,16,402 ડાઉનલોડ નોંધાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે મુંબઈગરા હવે અલગ-અલગ પરિવહન સેવાઓ માટે અલગ એપના બદલે એક જ ડિજિટલ પ્લેટફોર્મને પસંદ કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબર 2025ના રોજ ‘મુંબઈ વન’ એપનું લોન્ચિંગ કર્યું હતું. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ જાહેર પરિવહન સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી આ એપની શરૂઆત કરવામાં આવી હતી. આજે 11 જાહેર પરિવહન સેવાઓ અને ઓપરેટરોને એક જ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા છે. એટલે કે મુંબઈગરાને મેટ્રો, લોકલ કે બસની મુસાફરી માટે અલગ-અલગ ટિકિટ સિસ્ટમમાં જવાની જરૂર રહેતી નથી. આ સુવિધા ખાસ કરીને રોજિંદા મુસાફરોનો સમય અને હાલાકી બંને બચાવી રહી છે.

‘મુંબઈ વન’ની લોકપ્રિયતામાં મેટ્રો સૌથી આગળ છે. મેટ્રો લાઈન 2A, 7, 2B અને 9 માટે સૌથી વધુ 30,10,554 ટિકિટ બુક થઈ છે. ત્યાર બાદ મેટ્રો લાઈન 1 માટે 28,47,682 અને મેટ્રો લાઇન 3 માટે 24,30,370 ટિકિટ બુક થઈ છે. આ ત્રણ કેટેગરી સહિત મેટ્રો સેવાઓ માટે કુલ 82,88,606 ટિકિટ બુક થઈ છે, જે એપના કુલ ટિકિટ ટ્રાન્ઝેક્શનના આશરે 80 ટકા જેટલી છે. ન્યૂ મુંબઈ મેટ્રો લાઈન 1 માટે પણ 3,38,718 ટિકિટ બુક થઈ છે.

‘મુંબઈ વન’ સાથે જોડવાનો ફાયદો મુસાફરો ઉઠાવી
મુંબઈની ‘લાઇફલાઇન’ ગણાતી ઉપનગરી લોકલ ટ્રેનને પણ ‘મુંબઈ વન’ સાથે જોડવાનો ફાયદો મુસાફરો ઉઠાવી રહ્યા છે. એપ મારફતે ઉપનગરીય રેલવેની 15,70,906 ટિકિટ બુક થઈ છે. આ ઉપરાંત બેસ્ટની 1,53,323, ટીએમટીની 33,706, એનએમએમટીની 16,698, એમબીએમટીની 7,553 અને કેડીએમટીની 2,314 ટિકિટ બુક થઈ છે. આ આંકડા માત્ર એપના વધતા ઉપયોગને જ નહીં, પરંતુ મુંબઈ અને સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વિવિધ પરિવહન માધ્યમો વચ્ચે વધતી ડિજિટલ કનેક્ટિવિટીને પણ દર્શાવે છે.

એક જ ટિકિટિંગ સિસ્ટમ સાથે જોડાવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘મુંબઈ વન’ને સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનને એક જ ડિજિટલ મોબિલિટી પ્લેટફોર્મથી જોડવાના પ્રયાસ તરીકે ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, માત્ર 10 મહિનામાં 1 કરોડ ટિકિટ બુકિંગનો આંકડો પાર થવો એ એકીકૃત પરિવહન વ્યવસ્થાને મુસાફરો તરફથી મળેલા ઉત્સાહપૂર્ણ સમર્થનનો પુરાવો છે. નાયબ મુખ્ય પ્રધાન  તથા એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદેએ પણ ઉપનગરીય રેલવે, મેટ્રો અને મ્યુનિસિપલ બસ સેવાઓને એક જ ટિકિટિંગ સિસ્ટમ સાથે જોડાવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે.

મુંબઈગરાની રોજિંદી મુસાફરીનું એક મહત્વપૂર્ણ ડિજિટલ સાધન બની
એમએમઆરડીએના કમિશ્નર ડૉ. સંજય મુખર્જીએ જણાવ્યું કે 10 મહિનામાં ‘મુંબઈ વન’ના માધ્યમથી 1 કરોડ ટિકિટનો આંકડો મુસાફરોના બહોળા પ્રતિસાદને દર્શાવે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ સરળ અને ડિજિટલ મુસાફરી માટે તૈયાર છે. 8.16 લાખથી વધુ ડાઉનલોડ અને 1.04 કરોડથી વધુ ટિકિટ બુકિંગ સાથે ‘મુંબઈ વન’ હવે માત્ર ટિકિટ બુકિંગ એપ પૂરતી સીમિત રહી નથી, પરંતુ મુંબઈગરાની રોજિંદી મુસાફરીનું એક મહત્વપૂર્ણ ડિજિટલ સાધન બની રહી છે. અલગ-અલગ પરિવહન નેટવર્કને એક જ પ્લેટફોર્મ પર લાવતી આ વ્યવસ્થા ભવિષ્યના ‘વન-એમએમઆર’ તરફ મુંબઈની સફરને વધુ મજબૂત બનાવી રહી છે.