Sat Aug 29 2026

Logo

સાવધાન મુંબઈગરા! ચોમાસા પહેલા 18,000થી વધુ ઈમારતો જોખમી જાહેર

2026-05-12 20:36:15
Author: Mumbai Samachar Team
સાવધાન મુંબઈગરા! ચોમાસા પહેલા 18,000થી વધુ ઈમારતો જોખમી જાહેર

મુંબઈ: હજુ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસાની સિઝનને લગભગ મહિનો છેટું છે ત્યારે વહીવટી પ્રશાસન દ્વારા જર્જરિત અને જોખમી ઈમારતોની જાહેર કરી છે. મ્હાડા અને ૯ મહાનગરપાલિકાઓએ શહેરમાં કેટલીક ખતરનાક અને અતિ જોખમી ઇમારતોની યાદી જાહેર કરી છે. આમાંથી ૮૨૭ ઇમારતને અત્યંત જોખમી અને ૧૮૦૭૨ ઇમારતોને જોખમી જાહેર કરવામાં આવી છે. 

આને કારણે, બૃહદ મુંબઈના તમામ રહેવાસીઓના જીવન જોખમમાં મુકાયા છે. જોકે આ બધી ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું ચોમાસા પહેલા બધી ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ ચોમાસા પહેલા મુંબઈ શહેર માટે ખતરનાક ઇમારતોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ૧૭૪ ઇમારતો સામેલ છે. આ ઇમારતોને 'સી૧ ખતરનાક શ્રેણી'માં સમાવવામાં આવી છે, જેમાંથી ૭૨ ઇમારત પહેલાથી જ ખાલી કરાવી દેવામાં આવી છે. અન્ય ઇમારતો ગ્રેટર મુંબઈમાં છે અને તેમને ફક્ત નોટિસ જારી કરવામાં આવી છે.

દરમિયાન થાણે જિલ્લા પ્રશાસને ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં અતિ જોખમી ઇમારતોનું તાત્કાલિક 'સ્ટ્રક્ચરલ ઓડિટ' કરવાના આદેશ અપાયા છે. દર વર્ષે અતિવૃષ્ટિને કારણે ભૂસ્ખલન અને ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ વધતી હોવાથી, આ વર્ષે આવી દુર્ઘટનાઓ ઘટાડવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.