Tue Apr 28 2026

Logo

ખોરાકી ઝેરની અસરથી પરિવારના ચાર સભ્યનાં મોત: ભોજનના નમૂના, વિસેરા કેમિકલ એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલાયા

2026-04-28 19:47:18
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: દક્ષિણ મુંબઈના જે.જે. માર્ગ વિસ્તારમાં ખોરાકી ઝેરની અસરથી મૃત્યુ પામેલા પરિવારના ચાર સભ્યએ ખાધેલી બિરયાની, કલિંગર તથા અન્ય ખાદ્યપદાર્થના નમૂના કેમિકલ એનાલિસિસ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઇસ્માઇલ કુર્તે રોડ પર ઘારી મોહલ્લામાં રહેનારા ડોકાડિયા પરિવારે શનિવારે રાતે પારિવારિક સમારંભ યોજ્યો હોવાથી મહેમાનો પણ હાજર રહ્યા હતા. તમામ લોકોએ બિરયાની ખાધી હતી અને મહેમાનો જતા રહ્યા બાદ મોડી રાતે એક વાગ્યાની આસપાસ ડોકાડિયા પરિવારે કલિંગર ખાધું હતું.

રવિવારે વહેલી સવારે અબ્દુલ્લા ડોકાડિયા (40), તેની પત્ની નસરીન (35) અને બંને દીકરી આયેશા (16) તથા ઝૈનબ (13)ને ઊલટી અને ઝાડા થવા લાગ્યા હતા. આથી તેમને ત્વરિત નજીકની હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં અને બાદમાં તેમને જે. જે. હોસ્પિટલમાં ખસેડાયા હતાં, જ્યાં સારવાર દરમિયાન ચારેયનાં મૃત્યુ થયાં હતાં.

દરમિયાન મંગળવારે સવારે ફોરેન્સિક ટીમ ડોકાડિયા પરિવારના નિવાસસ્થાને આવી પહોંચી હતી અને તેમના છેલ્લા ભોજનમાં સમાવિષ્ટ દરેક વાનગીના નમૂના એકઠા કર્યા હતા, જેમાં બિરયાની, તરબૂચ અને અન્ય ખાદ્યપદાર્થનો સમાવેશ થાય છે. આ નમૂના બાદમાં કેમિકલ એનાલિસિસ માટે કલિનાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પરિવારના સભ્યોના મૃત્યુ અંગે તપાસ કરી રહેલા જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ડોકાડિયાના ઘરે શનિવારે આવેલા પાંચ મહેમાનનાં નિવેદન નોંધ્યાં હતાં, મહેમાનોએ કહ્યું હતું કે તેમણે તમામે બિરયાની ખાધી હતી, પણ તેમને ઝાડા કે ઊલટી થઇ નહોતી.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પ્રથમદર્શી આ ફૂડ પોઇઝનિંગનો કેસ છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવા છતાં ડોક્ટરોએ તેમનો અભિપ્રાય અનામત રાખ્યો છે. ચારેય મૃતદેહના વિસેરા કેમિકલ એનાલિસિસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. (પીટીઆઇ)