Mon Jun 08 2026

Logo

મુંબઈના ચેમ્બૂરમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના છઠ્ઠા માળથી 6 મજૂરો નીચે પટકાયા, એકનું મૃત્યુ

2026-02-28 14:16:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ મુંબઈના ચેમ્બૂર વિસ્તારમાં એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં કામ કરી રહેલા મજૂરો શ્રમિકો છઠ્ઠા માળેથી અચાનક નીચે પટકાયા હતા અને એમાંથી એક મજૂરનું મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ ગમખ્વાર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરોની સેફ્ટીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચેમ્બુરના સુભાષ નગર ખાતે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ખાતે આ દુર્ઘટના બની હતી. સામે આવી રહેલી પ્રાથમિક માહિતી મુજબ, અંડર કન્સ્ટ્રક્શન ઈમારતમાં છઠ્ઠા માળે કામ કરતી વખતે લોખંડના પ્લેટફોર્મ પર મજૂરો ઊભા હતા અને અચાનક આ પ્લેટફોર્મ તૂટી પડ્યું હતું. જેને કારણે તેના પર ઉભેલા તમામ 6 મજૂર સીધા જમીન પર પટકાયા હતા.

દુર્ઘટના બાદ તરત જ ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે અને એક મજૂરનું મૃત્યુ થયું હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા સામે આવીરહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને પૂરતાં સેફટી ગિયર્સ આપવામાં આવ્યા હતા કે નહીં એ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

મુંબઈમાં અવારનવાર અંડર કન્સ્ટ્રક્શન ઈમારતોમાં આવી ઘટનાઓ બનતી રહે છે. મજૂરોની સુરક્ષા માટે કડક નિયમો હોવા છતાં, બાંધકામ સ્થળો પર સુરક્ષાની અવગણના જીવલેણ સાબિત થઈ રહી છે. આ અકસ્માતે ફરી એકવાર મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મજૂરોની સલામતી અંગે ચિંતા વધારી દીધી છે.