Fri Sep 04 2026

Logo

ઉનાળામાં એસી લોકલ સુપરહિટઃ પ્રવાસીઓની સંખ્યા વધતાં મધ્ય રેલવેની કમાણી કરોડોને પાર

2026-05-29 15:12:37
Author: Mumbai Samachar Team
ઉનાળામાં એસી લોકલ સુપરહિટઃ પ્રવાસીઓની સંખ્યા વધતાં મધ્ય રેલવેની કમાણી કરોડોને પાર

મુંબઈ: હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં મધ્ય રેલવે પર એસી લોકલની લોકપ્રિયતામાં વધારો જોવા મળ્યો છે. એસી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈના પરસેવે રેબઝેબ કરતાં વાતવરણમાં પ્રવાસીઓને એસી લોકલમાં મુસાફરી પસંદ આવી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષોની સરખામણીએ એસી લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે 26મી જાન્યુઆરીથી 20મી મે 2026 દરમિયાન દરરોજ 1,30,075 જેટલા પ્રવાસીઓએ એસી લોકલમાં મુસાફરી કરી હતી. આ સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ 48.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન એસી લોકોલમાં 87,596 જેટલા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. 

અધિકારીઓના જણાવ્યા મુજબ, 2026માં કુલ પ્રવાસીઓની સંખ્યા પ્રતિ સેવા સરેરાશ 1664 જેટલી રહી છે, જે 2025માં પ્રતિ સેવા સરેરાશ 1474 જેટલા પ્રવાસીઓની સરખામણીએ 12.9 ટકા જેટલી વૃદ્ધિ તરફ ઈશારો કરે છે.

મધ્ય રેલવેએ 26મી જાન્યુઆરીથી 20 મે 2026 અંતર્ગત 8,991 જેટલી એસી લોકલ ટ્રેનો દોડાવી હતી. જેની સંખ્યા 2025માં 6834 જેટલી હતી. આ સમયગાળા દરમિયાન કુલ પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2025માં 1 કરોડથી વધીને 2026માં 1.50 કરોડ જેટલી થઇ ગઈ છે, જેમાં 50 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સાથે જ રેલવેની દરરોજની સરેરાશ આવકમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. આવકનો દર 2025માં 38.50 લાખ રૂપિયાથી વધીને 2026માં 56 લાખ રૂપિયા જેટલું વધ્યું છે. આ સમયગાળા દરમિયાન પાછળના વર્ષ કરતા આવક 44.27 કરોડથી વધીને 64.40 કરોડ જેટલી વૃદ્ધિ જોવા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેની એસી લોકલ સેવાઓની સંખ્યા 66થી વધીને 80 કરવામાં આવી છે. જેમાં મે, 2025માં સીએસએમટી-કલ્યાણ, બદલાપૂર અને ટિટવાલાની મેઈન લાઈન સેવાઓ શરુ કરવામાં આવી છે. આ સેવાઓ સાથે એસી લોકલ ટ્રેનોની સંખ્યા 94 થઇ ગઈ છે. આ સાથે જ મે 2026ની કુલ 14 ટ્રેનોને મળીને એસી લોકલ ટ્રેનોની સંખ્યા 108 જેટલી થઇ ગઈ છે.