(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં કાયમ એક દર્દી સાથે સંખ્યાબંધ સંબંધીઓ અને ચોતરફ રહેલી ગંદકીનો માહોલ રહેતો હોય છે. અમુક વખતે દર્દીના સંબંધીઓ ડૉકટર અને નર્સ સાથે મારપીટ કરી બેસતા હોય છે, ત્યારે હવે મુંબઈ મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં પણ હવે ખાનગી હૉસ્પિટલોની માફક બહુ જલદી ‘એક દર્દી-એક સંબંધી’ સિસ્ટમ અને વિઝિટર પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવે એવી શકયતા છે.
મુંબઈના મેયર રીતુ તાવડેએ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને પત્ર લખી મુંબઈ મહાનગરપાલિકાની મુખ્ય અને ઉપનગરીય હૉસ્પિટલો પર ભીડનું દબાણ ઘટાડવા અને દર્દીઓને ચેપમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે સૂચન કર્યું છે, જેમાં બીએમસીની હૉસ્પિટલોમાં ‘એક દર્દી-એક સંબંધી’ સિસ્ટમ લાગુ કરવાની ‘વિઝિટર પાસ મેનેજમેન્ટ સિસ્ટમ’ શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં મેયરના કહેવા મુજબ આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય હૉસ્પિટલમાં વધતી ભીડને નિયંત્રિત કરવાનો, સ્વચ્છતા જાળવવાનો અને તબીબી કર્મચારીઓને કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે. મેયરે કમિશનરને વિનંતી કરી છે કે બીએમસીની સાયન અને નાયરની મુખ્ય હૉસ્પિટલોમાં આ સિસ્ટમ તાત્કાલિક લાગુ કરવામાં આવે. મેયરના પત્રમાં સૂચનો ‘એક દર્દી - એક સગા’ પદ્ધતિ હોસ્પિટલમાં દાખલ દરેક દર્દી સાથે વોર્ડમાં ફક્ત એક જ સગાને રહેવાની મંજૂરી આપવી જોઈએ.
આનાથી બિન જરૂરી ભીડ ટાળી શકાશે અને ડૉકટરો અને નર્સો માટે દર્દીઓની સારવાર કરવાનું સરળ બનશે. વિઝિટર પાસ સિસ્ટમ - હૉસ્પિટલોના પ્રવેશદ્વાર પર આધુનિક વિઝિટર પાસ સિસ્ટમ શરૂ કરવી જોઈએ.
સુરક્ષા રક્ષકો આ પાસની તપાસ કરશે. વધુમાં, ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાથી સુરક્ષાનો મુદ્દો ઉકેલાશે અને લોકોની બિનજરૂરી અવરજવર અટકશે. ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે ખાસ છૂટ - ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ) માં દર્દીઓના સંબંધીઓ અથવા જેમની સ્થિતિ માનવીય દૃષ્ટિકોણથી ખૂબ જ નાજુક છે તેમને એક કરતાં વધુ પાસ આપવા માટે ખાસ છૂટ રહેશે. હૉસ્પિટલ વહીવટીતંત્રને આ નિર્ણય લેવાનો અધિકાર રહેશે.