Thu Sep 03 2026

Logo

બીકેસીમાં નકલી પોલીસની રેઇડ: વેપારીની 12 લાખની રોકડની લૂંટ

2026-03-24 18:25:00
Author: Yogesh C. Patel
બીકેસીમાં નકલી પોલીસની રેઇડ: વેપારીની 12 લાખની રોકડની લૂંટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: હોલસેલમાં કપડાંની ડીલને બહાને નાગપુરના વેપારીને 12 લાખ રૂપિયા સાથે બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે બોલાવ્યા પછી નકલી પોલીસની રેઇડ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ પ્રકરણે પોલીસે સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બીકેસી પોલીસના જણાવ્યા મુજબ પોલીસના સ્વાંગમાં રેઇડ કરનારા ચાર શખસ સહિત સાત જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી ત્રણની ઓળખ સાહિલ, નિહાલ બંસલ અને રોહન અગ્રવાલ તરીકે થઈ હતી.
આ પ્રકરણે નાગપુરમાં રહેતા અને એક્સાઈઝ ઑફિસરના પુત્ર નીલેશ ગાયકવાડે ફરિયાદ નોંધાવી હતી. ગાયકવાડે કપડાંનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને આ માટે તેણે પરિવારજનો અને મિત્રો પાસેથી 12 લાખ રૂપિયાની સગવડ કરી હતી. ઑક્ટોબર, 2025માં હોલસેલમાં કપડાં ખરીદવાને ઇરાદે દિલ્હી ગયેલા ગાયકવાડનો ભેટો આરોપી સાહિલ સાથે થયો હતો.

વાતચીત દરમિયાન ગાયકવાડનો વિશ્ર્વાસ સંપાદન કરી સાહિલે તેના સાથી નિહાલ બંસલની મુંબઈમાં ગાર્મેન્ટ ફૅક્ટરી હોઈ હોલસેલના ભાવે કપડાં અપાવવાની ખાતરી આપી હતી. પરિણામે ગાયકવાડ બંસલના સંપર્કમાં રહ્યો હતો અને 15 માર્ચે ડીલ ફાઈનલ કરવા મુંબઈ આવ્યો હતો.

ચર્ચા દરમિયાન બંસલે માલની પૂરી રકમ રોકડમાં ચૂકવવાની સૂચના આપી હતી. નક્કી થયા મુજબ 18 માર્ચે ગાયકવાડ સાંતાક્રુઝની એક હોટેલ નજીક પહોંચ્યો હતો, જ્યાં બંસલના માણસના સ્વાંગમાં રોહન અગ્રવાલ તેને મળ્યો હતો. કપડાંની ડિલિવરી ફાઈનલ કરવા અગ્રવાલ ગાયકવાડને બીકેસી લઈ ગયો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર બીકેસીમાં એક કારખાના નજીક ચર્ચા ચાલતી હતી ત્યારે ઈન્નોવા કારમાં ચાર શખસ ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસની રેઇડ પડી હોવાનું કહીને આરોપીઓએ ધમાચકડી મચાવી હતી. હંગામા દરમિયાન ડરનો માહોલ ઊભો કરી સાતેય આરોપી રોકડ લઈ રફુચક્કર થઈ ગયા હતા. 

બાદમાં ગાયકવાડે બંસલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હતો. પોતે છેતરાયો હોવાની જાણ થતાં ગાયકવાડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે તપાસ કરી રહી છે.