Tue Oct 06 2026

Logo

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: પાલઘરમાં ત્રીજી ટનલનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ

2026-06-02 20:20:00
Author: Mumbai Samachar Team
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: પાલઘરમાં ત્રીજી ટનલનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ

Ministry of Railways


મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે મહારાષ્ટ્રના પાલઘરમાં એક પર્વતીય ટનલના ખોદકામ સાથે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા પાંચ મહિનામાં જિલ્લામાં આ ત્રીજી સફળતા મળી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે  મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના અંબેસરી ગામમાં એન્જિનિયરોએ ત્રીજી પર્વતીય ટનલ (એમટી-07)નું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. 

પ્રોજેક્ટે છેલ્લા પાંચ મહિનામાં જ ત્રણ પર્વતીય ટનલ સફળતાપૂર્વક ખોદી છે, જે કોરિડોરના ભૌગોલિક રીતે સૌથી જટિલ ભાગોમાંના એકમાં ઝડપી બાંધકામનો સંકેત આપે છે, એમ તેમાં જણાવાયું છે.  

નવી ખોદવામાં આવેલી ટનલ 417 મીટર લાંબી અને 14.4 મીટર પહોળી છે. નિવેદન અનુસાર, આ માળખું ખાસ કરીને હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોરના અપ  અને ડાઉન બંને ટ્રેકને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ખડકાળ ભૂપ્રદેશમાં ખોદકામ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે નિયંત્રિત ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ખોદકામના લોજિસ્ટિકલ પડકારોને ધ્યાનમાં રાખીને, અદ્યતન દેખરેખ પ્રણાલીઓ અને ભૂ-તકનીકી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એમટી-07ના સફળ ખોદકામથી વાપી (ગુજરાત) અને બોઇસર (મહારાષ્ટ્ર) બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે સ્થિત ત્રણેય પર્વતીય ટનલ (એમટી -08, એમટી -07, અને એમટી-06) સત્તાવાર રીતે પૂર્ણ થઇ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કુલ આઠ પર્વતીય ટનલની જરૂર છે, જેમાં સાત પાલઘરમાં અને એક વલસાડ (ગુજરાત)માં સ્થિત છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા- નગર હવેલીમાંથી પસાર થતો મુંબઈ અને અમદાવાદને જોડતો 508 કિમીનો રેલ્વે પ્રોજેક્ટ, ભારતનો એકમાત્ર હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે જે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેન માટે રચાયેલ છે.