Thu Jul 23 2026

Logo

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો બ્રિજ વરસાદમાં ધોવાઈ ગયો? જાણો શું છે સત્ય

2026-07-16 18:46:30
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ઉલ્હાસ નદી પર બની રહેલા બ્રિજ માટે બનાવવામાં આવેલો અસ્થાયી રસ્તો ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. 
સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બુલેટ ટ્રેન માટે બનેલો પુલ ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. અધિકારીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારોનું ખંડન કરતા જણાવ્યું હતું કે કોઈ પણ હંગામી પુલ વહી ગયો નહોતો. સોશિયલ મીડિયા પરના તમામ ખબરો ખોટી છે. 

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભારે વરસાદના લીધે ફક્ત નિર્માણ સામગ્રી લાવવા-લઇ જવા માટે બનાવવામાં આવેલો હંગામી રસ્તો પ્રભાવિત થયો છે. આ રસ્તો મુખ્ય પુલનો ભાગ નહોતો. એનએચએસઆરસીએલ અનુસાર આ હંગામી રસ્તો વ્યવસ્થા મજૂરો, મશીનરી અને નિર્માણ સામગ્રીને સરળતાથી લાવવા-લઇ જવા માટે કરવામાં આવી હતી. 

અધિકારીઓએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઘટનાથી પુલની ડિઝાઇન, સુરક્ષા અને નિર્માણ કાર્ય પર કોઈ અસર પડી નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી દરેક કામ સુચારુરૂપથી ચાલી રહ્યા છે. ભારે વરસાદથી ઉલ્હાસ નદીમાં પાણી ઘણું વધી ગયું હતું, જેના લીધે આ હંગામી ધોરણે અસર થઈ હતી. 

508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 1.08 લાખ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ પર બનાવવામાં આવી રહ્યો છે. એનએચએસઆરસીએલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો. પ્રોજેક્ટ પૂર્ણ પારદર્શકતા સાથે ચાલી રહ્યો છે અને થાણે જિલ્લા સહિત દરેક જગ્યા પર કામ ચાલુ છે.