લખનઉઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પરિવારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવ (38) નું લખનઉમાં શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પ્રતીક યાદવનું સવારે 6.15 કલાકે લખનઉની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું જાણકારી અનુસાર પ્રતીક યાદવને તેમના ઘરના સભ્યો હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા. પરંતુ અર્પર્ણા યાદવ તેમની સાથે નહોતી. પરિવારજનોએ જણાવ્યું કે પ્રતીક યાદવ ઘરે સૂતા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. પ્રતીક યાદવ, સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના નાના પુત્ર હતા. તેઓ અખિલેશ યાદવના સાવકા ભાઈ હતા.
પ્રતીક યાદવને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ભાજપના નેતા અપર્ણા યાદવના પતિ હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે વિવાદના સમાચાર પણ સામે આવ્યા હતા. હાલના સમયે તેઓ પરિવાર સાથે જ રહેતા હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક અણબનાવ ચાલુ હતો.
છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ હતી અને સારવાર ચાલી રહી હતી. આજે એટલે કે બુધવારે સવારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રતીક યાદવના નિધનના સમાચાર મળતા જ યાદવ પરિવાર અને સમાજવાદી પાર્ટીના સમર્થકોમાં શોકની લહેર છવાઇ ગઇ છે.

કેમ થયું મોત?
તેમનું મૃત્યુ કઈ બીમારીના કારણે થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. થોડા સમય પહેલા તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે સમયે અપર્ણા યાદવ અને અખિલેશ યાદવ તેમની મુલાકાતે પણ ગયા હતા. હાલત સ્થિર થયા બાદ તેમને પરત ઘરે લાવવામાં આવ્યા હતા.
વધારે પડતું જિમ કરવું અને અનેક પ્રકારની દવાઓના સેવનના કારણે તેમનું મોત થયાનું ચર્ચાઇ રહ્યું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. પરંતુ બીમારી જીવલેણ બની શકે છે તેનો કોઈને અંદાજ નહોતો.
પ્રતીક યાદવનો મૃતદેહ હાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા છે. પોલીસે પ્રતીક યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આખી ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.
જિમનો બિઝનેસ
પ્રતીક યાદવ ફિટનેસ ફ્રીક હતા. લખનઉમાં તેમનો જિમનો બિઝનેસ હતો. તેમને જિમ કરવું અને ફિટ રહેવું પસંદ હતું.
રાજકારથી દૂર રહ્યા પ્રતીક
રાજકારણથી દૂર રહીને પ્રતીક યાદવ પોતાના વ્યાવસાયિક જીવનમાં વ્યસ્ત રહેતા હતા. તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ રહ્યો નહોતો. નવેમ્બર, 2012માં સમાજવાદી પાર્ટીના કેટલાક કાર્યકરો પાર્ટી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને લોકસભાની ચૂંટણીમાં પ્રતીકને આઝમગઢથી ટિકિટ આપવાની માંગ કરવા લાગ્યા હતા.
પ્રતીકની માતા અને મુલાયમ સિંહ યાદવના બીજા પત્ની સાધના ગુપ્તા તેમજ કાકા શિવપાલે પણ આ વાતનું સમર્થન કર્યું હતું, જોકે ત્યારે પ્રતીકને ટિકિટ આપવામાં આવી ન હતી. પ્રતીક મીડિયા અને રાજકારણથી દૂર રહીને મોટાભાગનો સમય શારીરિક અને માનસિક ફિટનેસમાં વિતાવતા હતા.