(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની ડ્રગ ઈન્સ્પેક્ટર પદની પરીક્ષાના પેપર લીક કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સાંગલી અને બુલઢાણાના બે ઉમેદવાર સહિત વધુ ચાર આરોપીની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલના અધિકારીઓએ ગુરુવારે પકડી પાડેલા આરોપીઓની ઓળખ બે ઉમેદવાર સાંગલીના સાજિદ સંદે અને બુલઢાણાના વિજય કિંગર તરીકે થઈ હતી. પ્રશ્ર્નપત્ર પહોંચાડવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા સંદીપ ખલાટે અને ભૈરવનાથ કદમની પણ નવી મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
આ કેસમાં અગાઉ સાત આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમાં અપર સેક્રેટરી અભિજિત લેન્ડવે, કૉન્ફિડેન્શિયલ સેક્સમાં કામ કરતા આસિસ્ટન્ટ સેક્શન ઑફિસર વિશ્ર્વેશ્ર્વર નકાતે, આસિસ્ટન્ટ સેક્શન ઑફિસર ગોપાલ મરાઠે, કૌટિલ્ય એકેડમીના ડિરેક્ટર પ્રવીણ પાટીલ, મધ્યસ્થી કરનારા અમૃત પાટીલ અને લોકેશ ઉર્ફે ગૌરવ પાટીલ તેમ જ ઉમેદવાર ઋતુજા પાટીલનો સમાવેશ થાય છે.
ક્રાઈમ બ્રાન્ચે વધુ ચાર આરોપીને પકડી પાડતાં આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 11 પર પહોંચી હતી. એમપીએસસી દ્વારા 22 માર્ચ, 2026ના રોજ રાજ્યનાં છ પરીક્ષા કેન્દ્રમાં ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) હેઠળ ગ્રૂપ-બીના ડ્રગ ઈન્સ્પેક્ટરનાં 154 પદ માટે પરીક્ષા લેવાઈ હતી.
તપાસ અનુસાર એમપીએસસી પરીક્ષાની ગુપ્તતા અને નિષ્પક્ષતાનો ભંગ કરીને જનપ્રતિનિધિ તરીકે સોંપવામાં આવેલી સરકારી ફરજનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું પણ જણાયું હતું કે આર્થિક ફાયદા માટે પ્રશ્ર્નપત્રની ગેરકાયદે હેરફેર કરવામાં આવી હતી.
આ પ્રકરણે ફરિયાદને આધારે પ્રાથમિક તપાસ બાદ કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીઓની સંડોવણી શોધી કાઢી હતી.