Wed Aug 19 2026

Logo

માતૃત્વ દિવસની શુભેચ્છા સહજેય દૂર અણુમાત્ર નથી, પ્રભુ તું!

2026-05-10 08:39:27
Author: ગિરિરાજ
Article Image

વલો કચ્છ - ગિરિરાજ

માનવ સંસ્કૃતિના ઉદયકાળથી જ વીરતા, મમતા અને આત્મભોગ એ ત્રણ સ્તંભો પર સમાજની ઇમારત ટકી રહી છે. જ્યાં પણ માણસ વસ્યો, ત્યાં તેણે નીતિ અને ન્યાય માટે ખપી જનારા શૂરવીરોને હૃદયમાં સ્થાન આપ્યું છે. પરંતુ જ્યારે વાત કચ્છની ભૂમિની આવે, ત્યારે ઇતિહાસ માત્ર લોહીથી નહીં, પણ ત્યાગ અને ખુમારીથી લખાયેલો જોવા મળે છે. સંતો, મહંતો અને શૂરવીરોની આ ભૂમિમાં ‘પાળિયા’ માત્ર પથ્થર નથી, પણ મૌન રહીને શૌર્યગાથા ગાતા ઇતિહાસના જીવંત સાક્ષીઓ છે.

આપણે ત્યાં કહેવત છે કે સ્ત્રી એ મમતાની મૂર્તિ છે, પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે અન્યાય થયો છે ત્યારે એ જ મૂર્તિએ ‘ચંડી’નું રૂપ ધારણ કર્યું છે. કચ્છના માંડવી તાલુકાના પોલાડીયા ગામની સીમમાં અને ત્રાયા ગામના ઇતિહાસમાં એક આવું જ નામ અંકિત છે ‘સોઢીમા’. દરબારોની ઓઝલ પ્રથા (પરદા પ્રથા) ને કારણે નામ ન લેવાતા હોવાથી તેઓ ‘બામાં’ કે ‘સોઢીમા’ તરીકે ઓળખાયા, પરંતુ તેમનું કાર્ય આખા પંથક માટે એક મિશાલ બની ગયું.

માંડવીના પોલાડીયા ગામની પાંજરાપોળ સધ્ધર છે અને સો વર્ષ પૂર્વે પણ વિકસિત હશે એવું માનવામાં આવે છે, કેમ કે ત્રાયા ગામની જમીન પણ તેમાં સમાવી દેવાઈ હતી અને તેને દાનમાં આપનાર મહિલા હતી સોઢીમા. 

આજે ત્યાં ભાંગેલો દરબારગઢ છે, બે ઓસરી, લીમડાનાં વર્ષો જૂનાં ઝાડ અને એક બાજુ નદી છે, એ રીતે જોઈએ તો બાઈમાના સમયમાં ગરાસ હર્યુંભર્યું હશે. તે ભલે દાતાર સ્ત્રી હતી છતાંય હક, ન્યાય માટે ચંડીરૂપ ધારણ કરતાં ખચકાય નહીં તેવી નીડર હતી. દરબારોની ઓઝલ પ્રથાને લીધે સ્ત્રીના નામ લેવાતાં નહીં એટલે તેઓ બામા, બાઈમા, સોઢીમા તરીકે ઓળખાતાં.

પાંજરાપોળમાં નોકરી કરતાં આશરે 70 વર્ષીય દરબારકાકા આશરે અગિયાર વર્ષના હતા ત્યારે બાને જોયેલા છે. 

ભારાજી ઉર્ફે લાધાજી ગરાસિયા હતા, જમીન- જાગીરનો વહીવટ કરતા. તેની પાસે પુષ્કળ માલ-ઢોર હતાં, આજુબાજુની 17-18 સીમનાં ખેતરો ભેગા થાય એવા ગરાસના તે એકમાત્ર રાજા હતા તેમના કુદરતી મૃત્યુ બાદ તેમના પુત્રને અંગત અદાવતમાં ઝેર પાઈને મારી નાખ્યો. જે ઘટના સોઢીમા સહન કરી ન શક્યાં અને શૂરાતન ધારણ કર્યું હતું. ગામની મૂળ વસ્તી સ્થળાંતર કરી ગઈ પણ તેમણે આ ગામ છોડ્યું નહીં. કહેવાય છે કોટડી ગામના દરબારોએ તળાવ બંધાવ્યું હતું જેની અડધી હદ ત્રાયાને લાગુ પડતી હતી તેથી સીમાવિવાદ થયો જેને ડામવા એકલાં બાઈમા તલવાર લઈને પહોંચી ગયાં હતાં. પતિ-પુત્રનો પાળિયો ત્યાં હયાત છે જે એક જ તિથિમાં ખુદ બાઈમાએ જ બનાવેલા છે.

કચ્છનાં ગામડાઓમાં વિખરાયેલા પાળિયા એ તે સમયની સામાજિક વ્યવસ્થા, સ્ત્રીઓની સ્થિતિ અને વીરતાનાં પ્રતીકો છે. ઇતિહાસ જ્યારે ધૂંધળો બને છે, ત્યારે આ ‘મૃત્યુચિહ્નો’ સાચા ઇતિહાસના વાકેફગાર બને છે. સોઢીમાંની વાત એ શીખવે છે કે માતૃત્વ માત્ર પારણા ઝુલાવવામાં જ નથી, પણ જ્યારે ધર્મ અને ન્યાયની વાત આવે ત્યારે રણમેદાનમાં ઊતરવામાં પણ છે.

સોઢીમાં જેવી વિભૂતિઓ એ વાતની સાબિતી છે કે ભારતીય નારી કોમળ છે પણ નબળી નથી. તે મમતામયી ‘અમૃતા’ પણ છે અને જરૂર પડ્યે અન્યાયને ડામતી ‘કાલકા’ પણ છે. 

આ ‘માતૃત્વ દિવસ’ પર, ચાલો આપણે કચ્છના એ મૌન પ્રતીકો અને પાળિયાઓમાં સચવાયેલી આ ગૌરવશાળી માતાઓને વંદન કરીએ, જેમણે પોતાના જીવનના ભોગે સંસ્કૃતિ અને સ્વાભિમાનની રક્ષા કરી છે. અંતે કાગબાપુની વાણીમાં માતા માટે પંક્તિઓ,

સહજેય દૂર અણુમાત્ર નથી પ્રભુ તું 
નિત્ય મુકામ નિજ પાસ કરે પ્રભુ તું 
જો ગ્રંથિ તોડી જ ઇહપાસ છે તું
એવા પ્રભુ હૃદયથી તુજને નમું હું
ગીરીરાજવલો કચ્છ.