Sun May 31 2026

Logo

મધર્સ ડે સ્પેશ્યલઃ દેશના દિગ્ગજ બિઝનેસમેનને સફળ બનાવનારી માતાઓની કહાની

2026-05-10 09:28:38
Author: Mumbai Samachar Team
Article Image

દેશના બિઝનેસ લીડર્સ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. પછી ભલે તે અંબાણી હોય કે ટાટા-બિરલા. પરંતુ શું તમે આ બિઝનેસ લીડર્સને જન્મ આપનારી માતાઓ વિશે જાણો છો? ચાલો, મધર્સ ડેના અવસરે આ મહાન પુરુષોને જન્મ આપનારી માતાઓ વિશે જાણીએ.

કહેવાય છે કે માતા જ બાળકની પ્રથમ શિક્ષક હોય છે. તે જ આપણને સારા-નરસાની સમજ આપે છે. માતા પોતાના બાળકમાં એવા તમામ સંસ્કારોનું સિંચન કરે છે, જેને બાળક જીવનભર સાથે રાખે છે અને પોતાના વ્યક્તિગત તથા વ્યવસાયિક જીવનમાં પણ ઉતારે છે.

પછી ભલે તે અંબાણી હોય કે અદાણી, ટાટા હોય કે બિરલા અને મહિન્દ્રા. દેશના તમામ બિઝનેસ ટાયકૂન્સની સફળતા પાછળ તેમની માતાનો મોટો હાથ રહ્યો છે. તેમણે આપેલા સંસ્કારો આ દિગ્ગજોની સફળતાની ગાથાનો એક મહત્વનો હિસ્સો છે. શું તમે આ મજબૂત અને પ્રભાવશાળી પુરુષો પાછળ રહેલી માતાઓ વિશે જાણો છો? આજે મધર્સ ડે પર, ચાલો આ દિગ્ગજ ઉદ્યોગપતિઓની માતાઓ પર એક નજર કરીએ.

રાજશ્રી બિરલા

કુમારમંગલમ બિરલાના માતા, રાજશ્રી બિરલા, બિરલા પરિવારનું એક જાણીતું નામ છે. સ્વર્ગસ્થ આદિત્ય બિરલાના પત્ની રાજશ્રી બિરલા એક સમાજસેવિકા પણ છે. 1995માં તેમના પતિના અવસાન બાદ, રાજશ્રીએ CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) અને ચેરિટીના ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પોતાના પરિવાર દ્વારા સંચાલિત એક પરોપકારી સંસ્થાનો વિકાસ પણ કર્યો. તેમને વર્ષ 2011માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૂની ટાટા

સૂની ટાટા, રતન ટાટાના સગા માતા છે. લગ્ન પહેલાં તેમનું નામ સૂની કમિસારિયત હતું. તેઓ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના ભત્રીજી હતા. જોકે, રતન ટાટાએ તેમના સગા માતા સાથે વધુ સમય વિતાવ્યો નહોતો. જ્યારે રતન ટાટા 10 વર્ષના હતા, ત્યારે તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા. ત્યારબાદ રતન ટાટાનો ઉછેર તેમની દાદી અને રતનજી ટાટાના વિધવા, નવાજબાઈ ટાટાએ કર્યો હતો અને તેમને દત્તક લીધા હતા.

ઇન્દિરા મહિન્દ્રા

આનંદ મહિન્દ્રા અવારનવાર તેમના માતા ઈન્દિરા મહિન્દ્રાનો ઉલ્લેખ કરે છે અને જણાવે છે કે કેવીરીતે તેમણે આ બિઝનેસ ટાયકૂનના જીવન પર કરી છે. ઉત્તર પ્રદેશના અલાહાબાદ એટલે કે પ્રયાગરાજમાં જન્મેલા ઈન્દિરાજીનો ઉછેર લખનઉમાં થયો હતો, જ્યાં તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

તેઓ એક જાણીતા લેખિકા પણ હતા, જેમના નામે 4 પુસ્તકો છે અને તેમણે એક બોલીવુડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. દર વર્ષે આનંદ મહિન્દ્રા લખનઉમાં તેમની યાદમાં આયોજિત થતા એક સાંસ્કૃતિક ઉત્સવને સ્પોન્સર (પ્રાયોજિત) કરે છે.

કોકિલાબેન અંબાણી

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના માતા અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની, કોકિલાબેન અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાછળની મુખ્ય શક્તિ માનવામાં આવે છે. તેમનો જન્મ એક મધ્યમવર્ગીય ગુજરાતી પાટીદાર પરિવારમાં થયો હતો. તેમના પિતા રતિલાલ જશરાજ પટેલ ટેલિગ્રાફ ઓફિસમાં કર્મચારી હતા અને તેમના માતા રુક્મણીબેન ગૃહિણી હતા.

1955માં કોકિલાબેનના લગ્ન ધીરુભાઈ અંબાણી સાથે થયા હતા. તેમને અંબાણી પરિવારના સૌથી મજબૂત વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે. વર્ષ 2009માં તેમણે 'કોકિલાબેન હોસ્પિટલ'નો પાયો નાખ્યો હતો.