Thu May 28 2026

Logo

અમદાવાદના મોટેરામાં ધોળે દિવસે ફિલ્મી ઢબે પરિણીતાનું અપહરણઃ સાસુને મારી જાનથી મારી નાખવાની ધમકી

2026-05-28 20:35:12
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. મોટેરાના ભીલવાસમાં ઘરમાં સૂતેલી 33 વર્ષીય પરિણીતાનું ચાર શખસ દ્વારા ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરવામાં આવ્યું હતું. પરિણીતાને બચાવવા વચ્ચે પડેલી વૃદ્ધ સાસુને પણ અપહરણકર્તાઓએ ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ પલક વારમાં ક્રેટા કારમાં પરિણીતાને લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

3 યુવક અને યુવતીએ કર્યું અપહરણ

પોલીસ ફરિયાદ પ્રમાણે મોટેરાના ભીલવાસમાં રહેતા શારદાબેન નાઈના દીકરા કમલેશના લગ્ન થોડા સમય પહેલાં રાજસ્થાનની કોમલ નામની યુવતી સાથે થયા હતા. ગઈકાલે કમલેશ રોજની જેમ નોકરી પર ગયો હતો અને ઘરમાં માત્ર કોમલ અને તેની સાસુ શારદાબેન હાજર હતા. બપોરના સમયે કોમલ ઘરમાં ખાટલામાં સૂતી હતી, ત્યારે અચાનક જ એક સફેદ રંગની ક્રેટા કાર ઘરની બહાર આવીને ઊભી રહી હતી. કારમાંથી ત્રણ યુવકો અને એક યુવતી નીચે ઉતર્યા હતા અને શારદાબેન કંઈ સમજે તે પહેલાં જ ધસમસતા ઘરમાં ઘૂસી ગયા હતા.

સાસુને જાનથી મારી નાખવાની ધમકી

ઘરમાં પ્રવેશેલા અપહરણકર્તાઓ સીધા સૂતેલી કોમલ પાસે પહોંચ્યા હતા. કોમલ કંઈ સમજે તે પહેલાં જ ચારેય જણાએ તેને જબરદસ્તી પકડી લીધી હતી. કોમલે પોતાને બચાવવા માટે ભારે બૂમાબૂમ કરી હતી, પરંતુ નરાધમો તેને ઢસડીને ઘરની બહાર ઊભેલી કાર તરફ લઈ ગયા હતા. આ જોઈ સાસુ શારદાબેન વહુને બચાવવા વચ્ચે પડ્યા તો અપહરણકર્તાઓએ તેમને જોરદાર ધક્કો મારી દીધો હતો અને ધમકી આપી હતી. આ ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના પડોશીઓ એકઠા થાય તે પહેલાં જ આરોપીઓ પરિણીતાને કારમાં નાખી રફુચક્કર થઈ ગયા હતા.

અપહરણ કેસમાં પ્રેમ પ્રકરણની આશંકા

ભોગ બનનાર પરિણીતાની સાસુ શારદાબેને રડતી આંખે જણાવ્યું કે, ‘મારી નજર સામેથી જ ચાર લોકો મારી વહુને જબરદસ્તી ઉપાડી ગયા છે. અમારો કોઈ વાંક નથી, અમારે તો બસ અમારી વહુ સુરક્ષિત પાછી જોઈએ છે, પોલીસ અમને તે પરત લાવી આપે’. પ્રાથમિક તપાસમાં આ અપહરણ કેસમાં પ્રેમ પ્રકરણ અને જૂની અદાવત હોવાનું બહાર આવી રહ્યું છે. કોમલના અગાઉ બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા, પરંતુ મનમેળ ન રહેતા છૂટાછેડા થયા હતા. 

આ દરમિયાન કોમલને રાજસ્થાનના ગેવર ગુર્જન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું પણ જાણવા મળ્યું હતું. કમલેશ સાથે લગ્ન થયા બાદ પણ ગેવર સતત કોમલને હેરાન કરતો હતો અને તેની પર નજર રાખતો હતો. હાલમાં સાબરમતી પોલીસે ચાર અજાણ્યા શખસો સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.