Sat Sep 12 2026

Logo

લોકશાહીના પર્વમાં મોટો ફટકો: ભુજ સ્વામિનારાયણ મંદિરના 200થી વધુ સંતોના નામ વોટર લિસ્ટમાંથી કમી થતા મતદાનથી રહ્યા વંચિત

2026-04-27 15:10:00
Author: Mumbai Samachar Team
લોકશાહીના પર્વમાં મોટો ફટકો: ભુજ સ્વામિનારાયણ મંદિરના 200થી વધુ સંતોના નામ વોટર લિસ્ટમાંથી કમી થતા મતદાનથી રહ્યા વંચિત

ભુજઃ કચ્છમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના આશરે ૨૦૫ જેટલા સંતોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં ધાર્મિક જગત અને ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે. વર્ષોથી નિયમિત મતદાન કરનારા સંતો આ વખતે મતાધિકારથી વંચિત રહેતા ચૂંટણી તંત્ર સામે સવાલો ઉભા થયા છે.

સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં સ્વામિનારાયણ મંદિરના સંતો વહેલી સવારે ૭ વાગ્યે શિસ્તબદ્ધ રીતે આલ્ફ્રેડ હાઈસ્કૂલ સ્થિત મતદાન મથકે પહોંચીને પ્રથમ મતદાન કરતા હોય છે. જોકે, આ વખતે સવારથી જ એક પણ સંત મતદાન મથકે ન દેખાતા આશ્ચર્ય સર્જાયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ૨૫૦ જેટલા સંતો અને સાંખ્યયોગી બહેનોમાંથી મોટાભાગના સભ્યોને મતદાર સ્લિપ મળી નહોતી અને યાદીમાં તેમના નામ પણ જોવા મળ્યા નહોતા.

મળતી માહિતી મુજબ, એસઆઈઆર હેઠળ હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં પિતા કે પતિનું નામ લખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. સંતો પરંપરા મુજબ પિતાના નામને બદલે પોતાના 'ગુરુ'નું નામ લખાવતા હોય છે. આ ટેકનિકલ કારણસર તંત્ર દ્વારા કોઈ અલગ જોગવાઈ ન કરવામાં આવતા સામૂહિક રીતે સંતોના નામ યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારા લગભગ ૨૦૫ જેટલા સંતોના નામ યાદીમાં નથી. સંતોને તેમના વોર્ડ કે બૂથ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. લોકશાહીના આ પર્વમાં સંતોને બાકાત રાખવા તે દુઃખદ બાબત છે."આ ઘટનાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજની મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું. એક તરફ મુખ્યમંત્રી ભગવાનના શરણે આવ્યા હતા અને બીજી તરફ તેમના જ તંત્ર દ્વારા સંતોના મતાધિકાર છીનવી લેવાયા છે!. તંત્રની આ ગંભીર ક્ષતિને કારણે સેંકડો મતદારો લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા નહોતા, જે ચર્ચાનો વિષય બન્યો છે.

(ઉત્સવ વૈદ્ય)