Wed Aug 19 2026

Logo

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ: મોરબી શહેર સહિત 32 ગામોને સાવધ કરાયા

2026-08-01 11:52:00
Author: Mayur Patel
Article Image

મોરબીઃ મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. મોરબી શહેર સહિત 32 ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ હાલ ડેમમાં 14,638 ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી છે.જળાશયની સપાટી નિયંત્રિત રાખવા ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલીને 14,058 ક્યુસેક પાણી મચ્છુ નદીના પટમાં છોડવામાં આવશે.

જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવનાને પગલે પૂર નિયંત્રણના ભાગરૂપે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી શહેર અને વજેપર તેમજ માળિયા (મીં) તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર મળી કુલ 32 ગામો/વિસ્તારો માટે અત્યંત સાવચેતીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. પાણીનું સ્તર ન ઘટે ત્યાં સુધી અને રસ્તો સલામત ન થાય ત્યાં સુધી વહેતા પાણીમાં વાહન ન ચલાવવા તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ,  રાજ્યમાં સિઝનનો સરેરાશ 64.76 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 20.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા, પૂર્વ મધ્યમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 91.35 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્યના બે જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 110.49 ટકા અને વલસાડમાં 102.25 ટકા વરસાદ નોંધાયો છે.  સુરતમાં 98.28 ટકા વરસાદ પડી ચુક્યો છે.