ભરત ભારદ્વાજ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલના પુરવઠાને અસર થઈ છે અને તમામ દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ઘટાડવા વિનંતી કરી છે. રવિવારે તેલંગાણામાં એક જાહેર સભાને સંબોધન કરતાં મોદીએ લોકોને પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી ને સાથે સાથે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે પણ અપીલ કરી.
મોદીએ કહ્યું કે, આજની જરૂરિયાત એ છે કે આપણે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરીએ. તેના કારણે માત્ર વિદેશી હૂંડિયામણની બચત નહીં થાય પણ યુદ્ધની પ્રતિકૂળ અસરોને પણ ઘટાડી શકાશે. મોદીએ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પણ વિનંતી કરી ને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપવા પણ કહ્યું. મોદીએ વિદેશોમાં લગ્નનો ક્રેઝ વધ્યો છે તેના પર પણ બ્રેક મારવાની અપીલ કરતાં કહ્યું છે કે, કમ સે કમ એક વર્ષ સુધી તો બિનજરૂરી વિદેશ યાત્રાઓ ટાળવી જ જોઈએ.
મોદી સાહેબે જે પણ કહ્યું એ સલાહો સાચી છે અને સમયસરની પણ છે કેમ કે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે પણ કમનીસીબી એ છે કે, આ સૂફિયાણી સલાહો માત્ર પ્રજા માટે છે. અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે કરકસર કરવી જરૂરી છે પણ કરકસરની શરૂઆત સરકારે કરવી જોઈએ તેના બદલે મોદી સાહેબ લોકોને કરકસર કરવાની સલાહ આપીને ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવું કરી રહ્યા છે.
ભારત પેટ્રોલ-ડીઝલ માટે વિદેશથી આયાત પર નિર્ભર છે ત્યારે લોકોએ પેટ્રોલ-ડીઝલના વપરાશમાં સંયમ રાખવાની જરૂર છે જ. ભારત મોટા પાયે ક્રૂડ ઓઈલની આયાત કરે છે ને અત્યારે યુએસ-ઈરાન યુદ્ધને કારણે ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આ યુધ્ધના કારણે વૈશ્વિક તેલ પરિવહન માટેનો સૌથી મહત્વનો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ના બ્લોક થઈ જતાં ક્રૂડ ઓઈલના પુરવઠામાં વિક્ષેપ પાડ્યો છે.
કેન્દ્ર સરકારે વૈકલ્પિક રસ્તે ક્રુડ ઓઈલ મળ્યા કરે તેની વ્યવસ્થા કરી છે પણ તેમાં ખર્ચ વધારે આવે છે તેથી સરકાર પર બોજ વધ્યો છે. અત્યારે તો સરકારે એક્સાઈઝમાં કાપ મૂકવા સહિતનાં પગલાં ભરીને સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં રાખ્યા છે પણ આ સ્થિતિ ચાલુ રહી તો ભારતમાં પણ ભાવ વધારવા જ પડશે. કોઈના બાપનો છૂટકો નથી. એ સ્થિતિ આવે ને જખ મારીને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડીએ તેના કરતાં અત્યારથી સમજીને ઓછુ વાપરવા માંડીએ તો આપણા પણ ફાયદામાં છે ને દેશના ફાયદામાં પણ છે.
મોદી સાહેબે લોકેને કરકસરની સલાહ આપી તેમાં ખોટું નથી પણ લોકોમાં દાખલો બેસાડવા માટે સરકારી સ્તરે સૌથી પહેલાં તેનો અમલ કરવાની જરૂર છે. ભારતમાં સરકારી તંત્ર જે પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરે છે એટલો ઉપયોગ દુનિયાના બીજા કોઈ દેશના સરકારી તંત્ર દ્વારા નહીં થતો હોય કેમ કે ભારત જેવું વીઆઈપી કલ્ચપ બીજા કોઈ દેશમાં નથી. ભારતમાં કોના બાપની દિવાળી એમ માનીને સરકારી તંત્રમાં બેઠેલી દરેક વ્યક્તિ પેટ્રોલ-ડીઝલનો બેફામ ધુમાડો કરે છે ને તેનો બોજ અંતે તો સરકારી તિજોરી પર જ આવે છે.
ભારતમાં મંત્રીઓ સાવ ફાલતુ કામો માટે પણ કારોનો કાફલો લઈને નીકળી પડે છે. ઓફિસથી ઘરે ને ઘરેથી ઓફિસ આવવાનું હોય તો પણ મંત્રીજીના કાફલામાં આઠ-દસ કાર તો હોય જ છે. મંત્રી બેઠા હોય એ કાર સિવાયની બીજી કારો તો તેમના સ્ટાફની ને સીક્યુરિટીની જ હોય છે. મંત્રીના કાફલામાં એમ્બ્યુલન્સ વગેરે પણ હાજર રખાતી હોય છે ને એ બધું પણ પાણી પર નહીં પણ પેટ્રોલ-ડીઝલ પર જ ચાલે છે.
લોકાર્પણના નામે આપણે ત્યાં જે તાયફા થાય છે તેમાં પણ પેટ્રોલ-ડીઝલના બેફામ ધુમાડા થાય છે. નેતાજીની સભા હોય ત્યાં લોકોની ભીડ એકઠી કરવા સરકારી બસોનો ને બીજાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે. એ બધું પણ પાણી પર નહીં પણ પેટ્રોલ-ડીઝલ પર જ ચાલે છે. આ તો થોડાંક ઉદાહરણો છે, બાકી મંત્રી ને નેતાઓના કાર્યક્રમો પાછળ થતા આવા બિનજરૂરી ખર્ચોની યાદી બહુ લલાંબી છે.
મોદી સાહેબે સૌથી પહેલાં તો આ ધુમાડા બંધ કરાવવાની જરૂર છે. એક વર્ષ સુધી કોઈ પણ મંત્રી ને નેતા લોકાર્પણ માટે જાહેર સભાઓ ના કરે એવો આદેશ આપવો જોઈએ. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે એ જોતાં લોકાર્પણ ડિજિટીલી પણ થઈ જ શકે તેથી ખોટા તાયફાની જરૂર જ નથી. એ જ રીતે સરકારી સ્ટાફના સરાકરી વાહનોના ઉપયોગ પર પણ નિયંત્રણો મૂકવાં જોઈએ. સરકારી વાહનોનો અધિકારીઓ અને તેમના પરિવારો માટે થતો ઉપયોગ તો બિલકુલ બંધ થવો જોઈએ.
મોદી સાહેબે કહ્યું છે કે, મેટ્રો નેટવર્કથી સજજ શહેરોમાં આપણે ફક્ત મેટ્રો દ્વારા જ મુસાફરી કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ સંકલ્પ પ્રજા જ શું કરવા કરે ? અધિકારીઓ અને સરકારી સ્ટાફ પણ કેમ ના કરે ? બલ્કે એ બધા તો સરકારના તાબેદાર છે એ જોતાં સરકાર તેમની પાસેનાં વાહનો ગેરેજમાં મૂકાવી દઈને તેમને મેટ્રોમાં આવવાનો આદેશ પણ આપી શકે.
અત્યારે હાલત એવી છે કે, કોઈ આઈએએસ કે આઈપીએસની પત્ની કે સંતાનો પાણીપુરી ખાવા જાય તો પણ સરકારી વાહનમાં જાય ને બ્યુટી પાર્લરમાં જાય તો પણ સરકારી વાહનમાં જ જાય. સાહેબનાં બાબા-બેબી સ્કૂલે પણ સરકારી વાહનમાં જાય ને સાહેબનાં સર્વન્ટ પણ સરકારી વાહનમાં જ શાકભાજી લેવા જાય. આ ભ્રષ્ટાચાર છે ને આ ભ્રષ્ટાચારને રોકવાની જરૂર છે. તેના કારણે પેટ્રોલ-ડીઝલની બચત તો થશે જ પણ લોકોના પરસેવાની કમાણીથી ભરાતી સરકારી તિજોરીમાંથી થતો નાણાંનો ધુમાડો પણ બંધ થશે.
મોદી સાહેબે બીજી સલાહો આપી છે તેમાં પણ શરૂઆત સરકારી સ્તરેથી થવી જરૂરી છે. લોકો ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારે એ માટે સરકાર પોતે કેમ ઈલેકટ્રિક વાહનો તરફ નથી વળતી ? સ્ટાફ માટે ઈલેક્ટ્રિક બસો લઈને ફરજિયાત તેમાં આવવાનો નિયમ બનાવાય તો કામચોરી પણ ઘટશે ને પેટ્રોલ-ડીઝલના ધુમાડા પણ બંધ થશે. એ જ રીતે વડા પ્રધાન ને વિદેશ મંત્રી સિવાયના તમામ મંત્રીઓના વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. અધિકારીઓનાં ડેલીગેશન અભ્યાસના નામે વિદેશમાં પરિવારો સાથે તાગડધિન્ના કરે છે એ પણ બંધ કરાવવું જોઈએ.
ભારતમાં લગ્નમાં સોનું આપવું શુભ નિશાની ગણાય છે. આપણે ત્યાં મંદિરો સહિતનાં ધર્મસ્થાનોમાં જંગી પ્રમાણમાં સોનું પડેલું છે. એ બહાર લાવીને માત્ર લગ્ન માટે મર્યાદિત પ્રમાણમાં એકાદ તોલા જેટલું સોનું સસ્તા દરે સરકાર તરફથી મળે એવું પણ કરી શકાય.
કરવું હોય તો ઘણું કરી શકાય પણ આ દેશમાં ભાષણબાજીનો મહિમા છે. બધાં ભાષણો આપે છે, સૂફિયાણી સલાહો આપે છે પણ પોતાનાથી શરૂઆત કરતું નથી.