Tue Jul 28 2026

Logo

સ્મિતા પાટીલ જેમાં અસ્સલ ગુજરાતણ સોનબાઈ બની હતી તે મિર્ચ મસાલાને 39 વર્ષ પૂરા!

2026-02-14 16:07:00
Author: Devayat Khatana
Article Image

બળકટ પાત્રો અને માનવતાની કથા સમી ચુનીલાલ મડિયાની અમર કૃતિની સિનેમેટિક સફર

સાહિત્ય અને સમાજ વચ્ચેનો સંબંધ અતૂટ છે, કારણ કે સમાજ વગર સાહિત્યનું સર્જન અશક્ય છે. સાહિત્યની જેમ જ સિનેમા પણ અભિવ્યક્તિનું એક અત્યંત પ્રભાવશાળી અને સશક્ત માધ્યમ છે, જોકે બંને કલાના અલગ-અલગ સ્વરૂપો છે; જ્યાં સાહિત્ય શબ્દો પર નિર્ભર છે, ત્યાં સિનેમા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. માસ કોમ્યુનિકેશનના અભ્યાસમાં માર્શલ મેકલુહાને જણાવ્યુ હતું કે કોઈ નવું માધ્યમનું પૂરક બને છે.  પુસ્તકોમાથી સિનેમા, સિનેમાના ગીતોનું રેડિયોમાં સ્થાન, ટેલીવિઝનમાં તે બંને બાબતો, તો મોબાઈલમાં આગળની તમામ બાબતો સમાવેશ પામી છે. 

એક સાહિત્યકારને સર્જન માટે માત્ર કાગળ અને કલમની જરૂર પડે છે, જ્યારે ફિલ્મ દિગ્દર્શકે કલાત્મક પાસાઓની સાથે-સાથે તકનીકી પાસાઓ અને ફિલ્મ નિર્માણની પ્રક્રિયાઓમાંથી પણ પસાર થવું પડે છે. અંતે તો સાહિત્ય અને સિનેમા મનોરંજન જગતના એવા બે મહત્વપૂર્ણ સ્તંભો છે, જેના સર્જકો સમાજમાંથી જ જન્મે છે અને આસપાસની પરિસ્થિતિઓથી પ્રભાવિત કે વ્યથિત થઈને પોતાની કૃતિઓ રચે છે. 

આપણે ગુજરાતી સાહિત્ય પરથી સિનેમાના પડદે આવેલી ફિલ્મોની વાત કરીએ તો તેની યાદી ઘણી લાંબી થઈ જાય. પણ સૌરાષ્ટ્રની કથા, ભાષા અને બોલી તેમજ સામાજિક વ્યવસ્થાના જોમ, બળકટ કથા લોઠકા એટલે મજબૂત પાત્રોથી ભરેલી અનેક કથાઓ છે. આવી કથાઓમાં ચુનીલાલ મડિયાનું નામ આગળ પડતું છે. મડિયાની નવલકથા લીલુડી ધરતી પરથી વલ્લભ ચોક્સીએ બનાવેલી  ફિલ્મ પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ હતી અને  તો એકસમયે લોકચાહના ઊભી કરી હતી. 

મિર્ચ મસાલાને ગઇકાલે 39 વર્ષ પૂર્ણ!

અહી વાત કરવી છે ચુનીલાલ મડિયાની બળકટ કલમે લખાયેલી એવી વાર્તા કે જે ઢોલિવૂડ નહિ પણ બોલિવૂડના પડદે પહોંચી હતી. આ ફિલ્મ છે કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત 'મિર્ચ મસાલા'. ચુનીલાલ મડિયાની એકદમ કાઠિયાવાડી પરિવેશની વાર્તા  ‘અભુ મકરાણી’ પરથી બનેલી ફિલ્મ મિર્ચ મસાલાને ગઇકાલે 39 વર્ષ પૂર્ણ થયા છે. 

શું છે મૂળ કથા?

આ ફિલ્મ વિશે વાત કરીએ તો, આ વાર્તા ૧૯૪૦ના દાયકાના પ્રારંભિક કાળમાં બ્રિટિશ શાસન હેઠળના ગુજરાતના એક ગ્રામીણ પંથકમાં આકાર લે છે, જ્યાં ભારતીય હોવા છતાં અંગ્રેજો વતી કર ઉઘરાવતા 'સૂબેદાર' અને તેની ટુકડી ગામ પર પોતાનું વર્ચસ્વ જમાવી મહિલાઓનું શોષણ કરી સત્તાનો દુરુપયોગ કરે છે. આ વાર્તાના કેન્દ્રમાં મુખ્ય સૂબેદારની ગામની એક પરિણીત અને ટેકીલી સ્ત્રી સોનબાઈ પ્રત્યેની કુદ્રષ્ટિ છે, તો બીજી તરફ ગામના એક ગાંધીવાદી શિક્ષક છે જે નિરક્ષરતા દૂર કરવા કન્યા કેળવણી સહિતના શિક્ષણમાં શ્રદ્ધા ધરાવે છે. 

આ પૃષ્ઠભૂમિમાં રાધા અને ગામના મુખીના નાના ભાઈ વચ્ચેના પ્રેમસંબંધો પણ વણાયેલા છે, જે જ્ઞાતિવાદના બંધનોને કારણે લગ્નમાં પરિણમી શકતા નથી. ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવે છે જ્યારે સોનબાઈ સૂબેદારની નિરંકુશ સત્તાને પડકારે છે અને અંતે આખા ગામને, ખાસ કરીને સ્ત્રીઓને, પોતાના આ અત્યાચારી દુશ્મન સામે સંગઠિત થઈને મેદાનમાં ઉતરવું પડે છે. 

આ ફિલ્મનું નિર્માણ નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા વર્ષ 1985માં થયું.  જેની પટકથા હૃદય લાની અને ત્રિપુરારિ શર્મા અને ગીત બાબુભાઈ રાણપરાએ લખ્યા હતા. આ ફિલ્મમાં  મુખ્ય કલાકારોમાં નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ઓમ પુરી, દીના પાઠક, દીપ્તિ નવલ, મોહન ગોખલે હતા. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 1987ના રોજ રિલિઝ થઈ હતી. . 

મૂળ વાર્તા  ‘અભુ મકરાણી’

ચુનીલાલ મડિયાએ 1950માં લખેલી ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ને આધારે આ ફિલ્મ ઊતરી છે. આઝાદી પૂર્વેના સૌરાષ્ટ્રના લોકજીવનની પાર્શ્ર્વભૂમિમાં તેની કથા ચિત્રાંકિત કરવામાં આવી છે. સામંતશાહી શોષણ-વ્યવસ્થા પર કટાક્ષ કરવાના મૂળ હેતુથી  લખાયેલી આ કથા રૂપેરી પડદા પર કામવાસના અને હિંસાનાં તત્વો અભિવ્યક્ત કરે છે. ન્યૂયૉર્કમાં જ્યારે આ ચલચિત્ર પ્રદર્શિત થયું ત્યારે ભારત બહાર તે સર્વાધિક લોકપ્રિય ચલચિત્ર તરીકે ખ્યાતિ પામેલું. પરંતુ મૂળ વાર્તા કરતાં અહી થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. મૂળ વાર્તામાં અંતે ગામનો જ મકરાણી અભૂ કે જેણે આખી જિંદગી જે કારખાનાના રક્ષણ માટે જીવી અને એ રક્ષણની જવાબદારી માટે આપવામાં આવેલી બંદૂકથી જ ગામની સ્ત્રીઓના રક્ષણ માટે પોતાનો જીવ આપી દીધો હતો. 

આ વાર્તામાં મડિયાની કલમ ધારદાર રહી છે. વાર્તાની શરૂઆતનો જ અંશ જોઈએ, 

"શિકારીની બંદૂક જોઈને ત્રસ્ત બનેલી હરિણીની જેમ દોડતી ગેમી ડેલાના દરવાજામાં ઘૂસી ગઈ. અંદરને ઓટે ગડાકુની તડપલી મસળતો અભુ મકરાણી હજી તો કાંઈ પૂછેગાછે, કે ડેલાનું બારણું વાસવા ઊભો થાય એ પહેલાં તો ગેમીએ જ જોશભેર ગળકબારીનું બારણું પછાડીને વાસી દીધું અને ઉપર આગળો ચડાવી દીધો.

લુહારની ધમણની જેમ ગેમીની છાતીમાં શ્વાસ ધમાતો હતો. નસકોરાં ફૂલીને ફૂંફાડા મારતાં હતાં. ડોળા ચકળવકળ ફરતા હતા. આમેય ચણોઠી શા લાલચટક લાગતા મોં ઉપર વધારાનું લોહી ધસી આવતાં એ અત્યારે ધગધગતા તાંબા જેવું લાગતું હતું."

સૌરાષ્ટ્રના લોકજીવનને ધર્મની બદબૂએ ડખોળ્યું નથી, તમામ ધર્મ, જ્ઞાતી, કાઠિયાવાડના અઢારે વરણ સૌરાષ્ટ્રના લોકજીવનનો અમુલ્ય  ભાગ રહ્યા છે. આ વાતને મડિયાએ ખુબ સહજ અને બારીકાઈથી ચિતરી છે. જેનો ખ્યાલ વાર્તાના આ ઉલ્લેખથી થઈ આવે છે. 

"અભુ જાતનો મકરાણી હતો અને દાડિયાં સૌ હિન્દુ હતાં, પણ અહીંના શ્રમજીવનમાં કોમી ભેદભાવને ભાગ્યે જ કોઈએ પિછાણ્યા હતા. સૌની સરખી જ દરિદ્રતાએ અરસપરસ એવી તો આત્મીયતા ઊભી કરી હતી કે એમાં કોઈ ગેર-કોમનું આદમી છે એવો ખ્યાલ સુદ્ધાં ઉદ્ભવી શકતો નહીં. બહુમતી લઘુમતી કોમ, આત્મનિર્ણયનો અધિકાર, કે પક્ષીય રાજકારણના પ્રશ્નો કરતાં અનેક ગણો વધારે અગત્યનો અને તાત્કાલિક ઉકેલ માગતો પ્રશ્ન તે પેટના ખાડા પૂરવાનો હતો. પેટના અર્થકરણ પાસે રાજકારણ જાણે કે વામણું અને વહરું લાગતું હતું. સમુદુખિયામાં જ હોઈ શકે એવી આત્મીયતાથી અભુ ડોસાએ ગેમીને રક્ષણની ખાતરી આપીને સ્વસ્થ બનાવી."

સોરઠી બોલીનું જોમ અને લોકજીવનથી મધમધતી આ વાર્તા વાંચતાં આંખ સામે કાઠીયાવાડનું ગામડું ખડું થઈ જાય. 

"એકબીજાં સમદુખિયાંના અતિપરિચયે એમનામાં અવજ્ઞા ઉત્પન્ન નહોતી કરી. ઊલટું શ્રમજીવનના લાંબા સહવાસે એકબીજાને લોહી લગાં બનાવ્યાં હતાં. એકને દુ:ખે સૌ દુ:ખી થતાં; એકને સુખે સૌ સુખ અનુભવતાં. દરેક વ્યક્તિના જીવનની રજેરજ વાત સૌ સહકાર્યકરો જાણતાં હતાં. કોઈએ કશું છુપાવવા જેવું રાખ્યું નહોતું. ક્યાંય દિલચોરી નહોતી, ક્યાંય ચશમપોશી નહોતી, કેમ કે આ કારખાનામાં કશું લૂંટી ખાવાનું નહોતું, કોઈએ એ આવકમાંથી મેડીઓ બાંધવાની નહોતી; કાયા તોડીને કામ કરી પેટિયાં રળળાનો આ પરિશ્રમ હતો."

ફિલ્મના અંતથી વાર્તાનો અંત જુદો છે. સ્ત્રીઓના રક્ષણ કાજે સૌરાષ્ટ્રમાં બલિદાનોની કથા પડી છે અને તેવો જ પ્રભાવ વાર્તામાં પણ દેખાય છે. 
"કાન ફાડી નાખે એવો ધડાકો દરવાજામાંથી સંભળાયો.

જીવન ઠક્કરે ચોંકી ઊઠીને ગળકબારી પર જોરથી પાટું લગાવ્યું; પણ ગળકબારી તો ઉઘાડી જ હતી! પોતાનો પગ પાછો પડતાં તેઓ છોભીલા પડી ગયા.

પણ વધારે ક્ષોભ તો તેમણે જ્યારે બારીમાંથી ડેલામાં પ્રવેશ્યા ત્યારે જે દૃશ્ય જોયું, એથી અનુભવ્યો. બે પગ વચ્ચે બંદૂકનો કુંદો ભરાવીને અભુએ પોતાની છાતીમાં એની નાળ નોંધી હતી. એનાં આંગળાં બંદૂકના ઘોડા ઉપર હતાં. જીવન ઠક્કરે ઘાંઘાં થઈ જતાં, નજીક જઈને અભુના હાથમાંથી બંદૂક છોડાવવા વ્યર્થ પ્રયત્ન કરી જોયો. હા, વ્યર્થ પ્રયત્ન; કેમ કે બંદૂકનો ઘોડો દબાઈ ચૂક્યો હતો અને આ જઇફ આદમીની છાતી વીંધાઇને વાંસામાંથી ડૂચો નીકળી ગયો હતો.

કારખાનાની સંપત્તિના રક્ષણાર્થે માલિકે વસાવી આપેલી બંદૂકે – બીજા કોઈએ નહીં તો બંદૂકે તો – પોતાની ફરજ બરોબર બજાવી હતી. બીજું કાંઈ નહીં તો ઇન્સાનિયતના એક ઉપાસકને ધર્મસંકટમાંથી તો એ બંદૂકે મુક્તિ અપાવી જ હતી."

સાહિત્ય અને સિનેમા જ્યારે એકમેકમાં ભળે છે ત્યારે ‘મિર્ચ મસાલા’ જેવી કાલજયી કૃતિઓ સર્જાય છે. આમ, ગ્રામીણ પરિવેશ, માટીની ભીની સુગંધ જેવા રંગોમાં રંગાયેલી, લોકકથાઓના અંશોથી છલોછલ અને નાટ્યાત્મકતાથી ભરપૂર એવી ફિલ્મ 'મિર્ચ મસાલા' એ અન્યાય સામે લેવાયેલા બદલાની કથા એકવાર અચૂક જોવા જેવી ગાથા છે.