પોલીસથી બચવા પૂરઝડપે કાર હંકારી મૂકનારા બે લૂંટારાએ માર્ગમાં રાહદારીને અડફેટમાં લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડમાં લૂંટ ચલાવવા માટે આવેલી ટોળકીના ત્રણ સભ્યને પોલીસે ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસથી બચવા માટે પૂરઝડપે કાર હંકારી મૂકનારા તેમના બે સાથીદારે માર્ગમાં રાહદારીને અડફેટમાં લીધો હતો અને બાદમાં કાર ત્યાં જ છોડીને તેઓ ભાગી છૂટ્યા હતા, પણ પોલીસે પીછો કરી બંનેની ધરપકડ કરી હતી.કાશીગાંવ અને માણિકપુર પોલીસે ધરપકડ કરેલા પાંચ લૂંટારુંની ઓળખ શાહનવાઝ ઇકરામ કુરેશી (50), નૌશાદ ઇકરામ કુરેશી (32), પપ્પુ હનીફ કુરેશી (40), ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી (40) અને ઇરફાન બાબુ કુરેશી (26) તરીકે થઇ હતી.
આરોપીઓ પાસેથી મેગેઝિન સાથેની બે પિસ્તોલ, ચાર ચાકુ, કાર, બે વાયરલેસ વૉકીટૉકી તથા અન્ય મતા જપ્ત કરાઇ હતી. ચાર આરોપી ઉત્તર પ્રદેશના બુલંદશહેરના વતની છે. આરોપી શાહનવાઝ કુરેશી વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 33 ગુના, જ્યારે નૌશાદ વિરુદ્ધ પંદર ગુના દાખલ છે. આરોપીઓ ગુનો આચરવા પહેલા ઘટનાસ્થળની રૅકી કરતા હતા અને ત્યાંના વોચમેનની નજર ચૂકવીને ચોરી કરવા ઘરમાં ઘૂસતા હતા. ચોરી કરતી વખતે ઘરના સભ્યો સામે આવી જાય તો તેઓ તેમને પોતાની ઓળખ સીબીઆઇ, સીઆઇડી અને ઇડીના અધિકારી તરીકે આપતા હતા અને તેમને ધમકાવ્યા બાદ ત્યાંથી રફુચક્કર થઇ જતા હતા. આરોપીઓએ હાલમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર અને ગુજરાતમાં રૅકી કરી હતી.
મીરા રોડમાં કાશીગાંવ પોલીસ સ્ટેશનની હદમાં 13 ઑગસ્ટે લૂંટ ચલાવવા માટે ટોળકી કારમાં ફરી રહી હોવાની માહિતી મળ્યા બાદ કાશીગાંવ અને માણિકપુર પોલીસની ટીમ તેમની શોધ ચલાવી રહી હતી ત્યારે તેમને કાર મળી આવી હતી. કારને આંતર્યા બાદ તેમાંના ત્રણ લૂંટારાને પોલીસે તાબામાં લીધા હતા, જ્યારે પોલીસથી બચવા બે લૂંટારાએ ત્યાંથી કાર પૂરપાટ વેગે હંકારી મૂકી હતી, પરંતુ માર્ગમાં આયૂષકુમાર સુશીલ યાદવને અડફેટમાં લીધા બાદ તેઓ કાર ત્યાં જ છોડીને પલાયન થયા હતા. જોકે પોલીસે પીછો કરીને બંનેને પકડી પાડ્યા હતા.