Sat Sep 05 2026

Logo

કચ્છના નાના રણમાં મિની વાવાઝોડાથી અગરિયાઓની મહેનત ધોવાઈ, મીઠાને નુકસાન

2026-03-20 16:11:00
Author: Devayat Khatana
કચ્છના નાના રણમાં મિની વાવાઝોડાથી અગરિયાઓની મહેનત ધોવાઈ, મીઠાને નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, પાટડી અને કુડા સહિતના રણ વિસ્તારોમાં અચાનક ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. છેલ્લા છ મહિનાથી ધોમધખતા તાપ અને કડકડતી ઠંડીમાં કાળી મજૂરી કરીને મીઠું પકવતા હજારો અગરિયાઓની મહેનત પળભરમાં એળે ગઈ હતી. ભારે પવનને કારણે મીઠાના પાટાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં અંદાજે 80 ટકા જેટલું તૈયાર મીઠું ધોવાઈ ગયું હતું, જેના કારણે અગરિયા સમુદાયને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

પૂરઝડપે ફૂંકાયેલા પવનમાં અગરિયાઓના કાચા ઝૂંપડા પત્તાની માફક ઉડી ગયા હતા, જેના કારણે અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, મીઠું પકવવા માટે લાઈટ અને પંપ ચલાવવા માટે રાખવામાં આવેલી મોંઘીદાટ સોલર પેનલો પણ વાવાઝોડામાં ફંગોળાઈને તૂટી ગઈ હતી. સ્થાનિક અગરિયાઓએ જણાવ્યું હતું કે, ગત રાત્રિએ આવેલા ભયાનક વાવાઝોડામાં ઘરવખરી અને સોલર પ્લાન્ટ્સ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે, જે અગરિયાઓ માટે "પડ્યા પર પાટું" જેવી સ્થિતિ સમાન છે. અગરિયા સમુદાયે સરકાર પાસે આજીજી કરી હતી કે તંત્ર દ્વારા તાત્કાલિક રણ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. સોલર પેનલ, તૈયાર મીઠું અને રહેણાંકના ઝૂંપડાનું નુકસાન થયું હોય તેમને સરકાર વહેલી તકે વળતર ચૂકવે તેવી માંગ સ્થાનિક અગરિયાઓએ કરી હતી.