અમદાવાદ, રાજકોટઃ મધ્યપૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર અનેક દેશો પર થઈ રહી છે. ખાસ કરીને તેલની કિંમતો અને તેની આયાત-નિકાસ પર વધારે અસર થઈ રહી છે. પુરવઠાની આયાત ઓછી અને નહિંવત થતી હોવાના કારણે ઈંધણમાં અછત સર્જાઈ રહી છે. ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના અનેક દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે પ્રજા ભયભીત થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ પુરાવવા માટે લાંબી લાઈનો પણ લાગી રહી છે.
રાજકોટમાં પણ પેટ્રોલની અછત સર્જાઈ?
રાજકોટમાં રૈયા રોડ પર આવેલા પેટ્રોલ પંપો પર આજે સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પંપ સંચાલકોનું કહેવું છે કે, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે રિફાઇનરીઓ તરફથી પૂરતો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે પંપ પર જથ્થો ખાલી થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ ન મળવાના કારણે ગ્રાહકો અને પંપ સ્ટાફ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. સામાન્ય વાત છે કે, જો રિફાઈનરીઓ દ્વારા જથ્થો આપવામાં નહીં આવે તો પછી પેટ્રોલ પંપ પર ઈંઘણ કેવી હોય? પેટ્રોલ પંપો સંચાલકોએ એવું પણ કહ્યું કે, અત્યારે આવી સ્થિતિમાં પણ રિફાઈનરીઓ ગોકળગાયની ગતિએ કામ કરી રહી છે.
અછતના કારણે શહેરમાં રહેતા લોકોમાં ફફાડાટ
અમદાવાદમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પેટ્રોલના હોવાની ફરિયાદો થઈ રહી છે. તેવામાં શહેરમાં રહેતા લોકોમાં ફફાડાટ ફેલાયો છે. સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આપણી પાસે ઇંધણનો પૂરતો પુરવઠો છે. તો પછી પ્રશ્ન એ છે કે, રિફાઇનરીઓ દ્વારા શાટે જથ્થો આપવામાં આવતો નથી? આવી સ્થિતિમાં સરકાર દ્વારા યોગ્ય સુચનો અને પગલા લેવામાં આવે તે જરૂરી છે.
રિફાઈનરીઓ દ્વારા પૂરતો પુરવઠો આપવામાં આવતો નથી
એક પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્યું કે, અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે, તે પ્રમાણે ઉપરથી અમને કંપનીમાંથી માલ સપ્લાયમાં ડીલે કરવામાં આવી રહ્યું છે. ચાર દિવસે પણ વારો આવે અને બે દિવસે પણ વારો આવે, અમારી ગાડી ક્યારે ભરાય તેનું કંઈ નક્કી હોતું નથી. રિફાઈનરીઓ પણ ગોકળગાડી જેમ ગાડીઓ ભરે છે. આ પરિસ્થિતિમાં પણ કંપનીઓ રવિવારે કંપની બંધ રાખે છે, જેના કારણે સોમવારે વધારે અછત રહેતી હોય છે. વધુમાં કહ્યું કે, આવી સ્થિતિમાં અમારે કર્મચારીઓને પગાર કેવી રીતે આપવો? એટલે કે અમારે અત્યારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ છે.
એક ગ્રાહકે સંગ્રહખોરીની આશંકા વ્યક્ત કરી
એક ગ્રાહકે કહ્યું કે, આ સ્થિતિના કારણે અનેક પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યાં છે. આ ગ્રાહકે આશંકા વ્યક્ત કરી છે કે, સરકાર દ્વારા આ અછતને પૂર્ણ કરવામાં આવે તો, નહીં તો એવી સ્થિતિ નિર્માણ પામશે કે, પેટ્રોલ પંપના સંબંધીઓ પેટ્રોલનો સ્ટોક કરવા લાગશે. એટલે કે, સંગ્રહખોરી થશે અને તેના કારણે અનેક લોકોને ભાવ વધારાનો પણ સામનો કરવો પડી શકે છે.