નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના લીધે દેશના પેટ્રોલ ડીઝલના પૂરવઠામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. તેવા સમયે કેન્દ્ર સરકાર પેટ્રોલના ભેળવવા આવતા ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરતો નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં હવે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવતા તૂટેલા ચોખાના જથ્થામાં ઘટાડો કરવા જઇ રહી છે. જેના લીધે ઇથેનોલ ઉત્પાદન કરતાં એકમોને વધુ અનાજ મળી શકે. કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2026ના રોજથી પીડીએસના તૂટેલા ચોખાની હિસ્સેદારી 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરશે. આ અંગે કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ઇથેનોલ મિશ્રણ વધારીને ક્રૂડ આયાત પર નિર્ભરતા ઘટાડવાનો હેતુ
આ અંગે ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ મંગળવારે આ માહિતી શેર કરી. આ ફેરફાર બાદ ઇથેનોલ ઉત્પાદન માટે વાર્ષિક આશરે 9 મિલિયન ટન વધારાના તૂટેલા ચોખા ઉપલબ્ધ થશે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે છેલ્લા ત્રણ અઠવાડિયામાં વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 40 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. સરકાર ઇથેનોલ મિશ્રણ વધારીને ક્રૂડ આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો હેતુ છે.
પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 2013 માં 1.5 ટકાથી વધીને 20 ટકા સુધી પહોંચ્યું
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 2013 માં 1.5 ટકાથી વધીને આજે 20 ટકા પર પહોંચી ગયું છે. આના પરિણામે દેશ માટે અત્યાર સુધીમાં રૂપિયા 1.63 લાખ કરોડથી વધુની વિદેશી હૂંડિયામણની બચત થઈ છે. તેમજ વર્ષ 2014 થી ક્રૂડ ઓઇલની આયાતમાં 2.77 કરોડ મેટ્રિક ટનનો ઘટાડો થયો છે.
દરખાસ્ત અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
તેમજ સરકાર હવે ફક્ત ઇથેનોલનો પુરવઠો વધારવાથી આગળ વધવાનું લક્ષ્ય રાખે છે. જે ઇથેનોલના બજાર હિસ્સાને વધુ વિસ્તૃત કરવાનું પણ વિચારી રહી છે. તેમજ આગામી સમયના પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલનું મિશ્રણ વધારવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડીઝલમાં ઇથેનોલનું મિશ્રણ કરવું અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ દરખાસ્તો અંગે નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.