Wed Aug 19 2026

Logo

દુનિયાના નકશામાં ક્યાંથી આવ્યું 'મિડલ ઈસ્ટ'? જાણો આ નામનો રસપ્રદ ઇતિહાસ...

tehran   2026-03-02 21:14:01
Author: Tejas
Article Image

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે અત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન 'મિડિલ ઈસ્ટ' (મધ્ય પૂર્વ) પર કેન્દ્રિત થયું છે. દરેક જગ્યાએ આ વિસ્તારમાં ફાટી નીકળેલી જંગની ચર્ચાઓ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના નકશામાં આ દેશોને 'મિડિલ ઈસ્ટ' જ કેમ કહેવામાં આવે છે? વાસ્તવમાં આ નામ પાછળ એક રસપ્રદ ઈતિહાસ છુપાયેલો છે, જે પશ્ચિમી દેશોના વર્ચસ્વ સાથે જોડાયેલો છે, જ્યારે બીજી ચોંકાવનારી વાત એ છે કે ઈરાન મિડલ ઈસ્ટનો મહત્વનો ભાગ હોવા છતાં તેને આરબ દેશ માનવામાં આવતો નથી.

દુનિયાના નકશામાં કોઈ પણ દિશા કે સ્થાન નક્કી કરવામાં યુરોપિયન દેશો, ખાસ કરીને બ્રિટનનો મોટો ફાળો રહ્યો છે. લાંબા સમય સુધી વિશ્વ પર રાજ કરનાર અંગ્રેજોએ યુરોપને કેન્દ્રમાં રાખીને પૂર્વના દેશોને 'ઈસ્ટર્ન' અને પશ્ચિમના દેશોને 'વેસ્ટર્ન' તરીકે ઓળખાવ્યા. આ ક્રમમાં જે દેશો ચીન-જાપાન (ફાર ઈસ્ટ) અને યુરોપની નજીકના દેશો (નિયર ઈસ્ટ) ની વચ્ચે આવતા હતા, તેમને 'મિડિલ ઈસ્ટ' નામ આપવામાં આવ્યું. બ્રિટિશ હકુમત દ્વારા વપરાયેલો આ શબ્દ આજે વૈશ્વિક સ્તરે માન્ય બની ગયો છે.

કયા દેશોનો સમાવેશ મિડલ ઈસ્ટમાં થાય છે?
મિડલ ઈસ્ટ એ માત્ર ભૌગોલિક નામ નથી, પરંતુ તે એક મોટા દેશનો સમૂહ છે, જેમાં મુખ્યત્વે સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, સીરિયા, લેબનોન, જોર્ડન, તુર્કી, કુવૈત, બહેરીન, કતર, ઓમાન, યમન, લિબિયા, સાયપ્રસ, ઈજિપ્ત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોનો સમાવેશ થાય છે. હાલમાં આમાંથી મોટા ભાગના દેશો યુદ્ધની સીધી કે આડકતરી અસર હેઠળ છે.

ખાડી દેશો અને મિડલ ઈસ્ટ વચ્ચેનો તફાવત
ઘણીવાર લોકો મિડલ ઈસ્ટ અને ખાડી દેશોને (Gulf Countries) એક જ માને છે, પરંતુ તેમાં તફાવત છે. 'ખાડી' એ એવી જગ્યા છે, જ્યાં સમુદ્રનું પાણી જમીનથી ત્રણેય બાજુ ઘેરાયેલું હોય, જ્યારે આ દેશોની સરહદ પર્શિયન ગલ્ફ એટલે કે ફારસની ખાડીને સ્પર્શે છે, તેથી તેમને ખાડી દેશો કહેવામાં આવે છે. આ યાદીમાં સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, બહેરીન, કતાર અને ઓમાનનો સમાવેશ થાય છે. એટલે કે તમામ ખાડી દેશો મિડલ ઈસ્ટનો ભાગ છે, પણ મિડલ ઈસ્ટના તમામ દેશો ખાડી દેશો નથી.

આરબ દેશોની વ્યાખ્યા અને ભાષાકીય જોડાણ
'આરબ દેશ' શબ્દનો સીધો સંબંધ અરબી ભાષા અને સંસ્કૃતિ સાથે છે. જે દેશોની મુખ્ય ભાષા અરબી છે અને જ્યાં આરબ સભ્યતાનો પ્રભાવ છે, તેમને આરબ દેશો તરીકે ઓળખવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ઈરાન મિડલ ઈસ્ટનો મહત્વનો ભાગ હોવા છતાં તેને આરબ દેશ માનવામાં આવતો નથી, કારણ કે ત્યાંની મુખ્ય ભાષા ફારસી છે. આમ, નકશા પર દેખાતો આ નાનકડો દેશ ભાષા, ભૂગોળ અને ઈતિહાસની દ્રષ્ટિએ ખૂબ જ જટિલ અને વિવિધતાપૂર્ણ છે.