Thu Jun 18 2026

Logo

ઈરાને વિમાનો તોડી પાડ્યા કે અમેરિકાએ જાતે જ કર્યા ધ્વસ્ત? C-130 અને હેલિકોપ્ટર તબાહી પર મોટો સસ્પેન્સ!

Tehran   2026-04-05 16:26:00
Author: Mumbaisamachar Team
Article Image

તહેરાન/ વોશિંગ્ટન ડીસી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક નવો મોરચો ખુલ્યો છે, જેમાં અમેરિકા અને ઈરાન આમને-સામને આવી ગયા છે. તાજેતરમાં ઇસ્ફહાન વિસ્તારમાં થયેલી એક સૈન્ય ઘટનાએ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. આ વિવાદના કેન્દ્રમાં અમેરિકાના અત્યાધુનિક C-130 હરક્યુલસ અને બ્લેક હોક હેલિકોપ્ટર્સ છે, જે હવે કાટમાળમાં ફેરવાઈ ચૂક્યા છે. જોકે, આ વિમાનો નાશ પામવા પાછળના કારણો અંગે ઈરાન અને અમેરિકાના દાવાઓ પરસ્પર વિરોધાભાસી છે, જેના કારણે આ સમગ્ર મામલો એક મોટા રહસ્યમાં ફેરવાઈ ગયો છે.

ઈરાનની સેના અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેમણે ઈરાની સરહદમાં ઘૂસેલા અમેરિકી સૈન્ય મિશનને નિષ્ફળ બનાવ્યું છે. ઈરાની મીડિયા અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં રણ પ્રદેશમાં સળગતો કાટમાળ જોઈ શકાય છે. IRGC મુજબ, સંયુક્ત ઓપરેશન દરમિયાન દુશ્મનના બે બ્લેક હોક હેલિકોપ્ટર અને એક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને તોડી પાડવામાં આવ્યા છે. ઈરાની પાર્લામેન્ટના સ્પીકરે પણ કાટમાળની તસવીરો શેર કરી આ ઘટનાને પોતાની મોટી સૈન્ય સિદ્ધિ ગણાવી છે.

બીજી તરફ, અમેરિકી સૈન્ય સૂત્રો અને મીડિયા અહેવાલો આ ઘટનાને અલગ  નજરથી દેખાડી રહ્યા છે. અમેરિકાના જણાવ્યા અનુસાર, તેમના વિમાનો દુશ્મનના હુમલાથી નથી પડ્યા, પરંતુ તેમણે પોતે જ તેને નષ્ટ કર્યા છે. અહેવાલો મુજબ, જ્યારે અમેરિકી કમાન્ડો ટીમ લાપતા પાયલોટને બચાવવા માટે હાઈ-રિસ્ક ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારે બે વિમાનો ટેકનિકલ કારણોસર અથવા દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા. આ સંવેદનશીલ સૈન્ય ટેકનોલોજી ઈરાનના હાથમાં ન જાય તે માટે અમેરિકી કમાન્ડરોએ જ તેને વિસ્ફોટથી ઉડાવી દેવાનો નિર્ણય લીધો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અને રેસ્ક્યૂ મિશન
આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે પાયલોટને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. તેમણે આ મિશનને અમેરિકી સૈન્ય ઇતિહાસના સૌથી સાહસિક ઓપરેશનોમાંનું એક ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઓપરેશન ત્યારે શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે ઈરાને અમેરિકાના F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાનને તોડી પાડ્યું હતું. જોકે, અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે હજુ સુધી વિમાનો તબાહ થવાના ચોક્કસ કારણો અંગે મૌન સેવ્યું છે, જેનાથી સસ્પેન્સ હજુ પણ અકબંધ છે.