Sun Aug 23 2026

Logo

હવે જાન્યુઆરીમાં આવશે મ્હાડાની લોટરી થશે, ક્લસ્ટર યોજનાથી મ્હાડાને 30,000 ઘર મળશે

2026-08-07 19:17:35
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈમાં સસ્તા ઘરનું સપનું જોનારા અને ઘર બનાવનારા લોકો માટે સૌથી મોટા સમાચાર છે કે મ્હાડાની આગામી લોટરી હવે જાન્યુઆરીમાં થશે. એટલે હવે બીજા ચાર મહિના જ બાકી છે. ગુરુવારે 2,640 ઘરના રિઝલ્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. બાંદ્રા ખાતે મુંબઈ બોર્ડની આવાસ લોટરીનો શુભારંભ કરાવ્યો હતો. લોટરીમાં સામેલ 2,640 ઘરો માટે 75,000થી વધુ લોકોએ અરજી કરી હતી. આ પ્રસંગે મ્હાડાના વાઇસ-ચેરમેન સંજીવ જયસ્વાલે જણાવ્યું હતું કે, જેમને આ વખતે યાદીમાં નામ આવ્યું નથી તેમને નિરાશ થવાનું જરુરી નથી, કારણ કે મુંબઈ બોર્ડની આગામી લોટરી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2027માં યોજાવાની છે.

ક્લસ્ટર યોજના હેઠળ મ્હાડા મુંબઈમાં 925 એકર વિસ્તારનો વિકાસ કરશે. આ યોજનામાં 65,000 સ્થાનિક રહેવાસીઓના તે જ સ્થળે પુનર્વસનનો સમાવેશ થાય છે. અલબત્ત, સરકારની ક્લસ્ટર યોજના મારફત મ્હાડા મુંબઈમાં 30,000થી વધુ ઘર મેળવશે, જે લોટરી પદ્ધતિ દ્વારા લોકોને ફાળવવામાં આવશે.

છેલ્લા ત્રણ વર્ષમાં લોટરી પદ્ધતિ દ્વારા લોકોને 50,000થી વધુ વધારાના ઘરો ફાળવ્યા છે. ઓથોરિટી હાલમાં 7.30 લાખ ઘરના નિર્માણની યોજના પર કામ કરી રહી છે. મ્હાડા હવે માત્ર સામાન્ય આવાસો જ નહીં, પરંતુ ભાડાંના ઘર, હોસ્ટેલ અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટેના ઘરો પણ વિકસાવી રહ્યું છે. 

એફઆઈઆર અને જેલમાં મોકલવા નિશ્ચિત કરો

કેબિનેટ પ્રધાને કહ્યું હતું કે સરકારી નિયમો હેઠળ વધારાના એફએસઆઈનો લાભ લીધા હોવા છતાં અનેક બિલ્ડરોએ હજુ સુધી લગભગ એક હજાર ઘરો મ્હાડાને સોંપ્યા નથી. જોકે, આવા બિલ્ડરોને છોડવામાં આવશે નહીં અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. કેબિનેટ પ્રધાને કહ્યું કે આવા બિલ્ડરની સામે એફઆઈઆર નોંધીને જેલમાં નાખવા જોઈએ.

નાગરિકો ભાગીદારી વધારવા માટેની સમિતિ બનાવો

સરકારે નાગરિક સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે દરેક વોર્ડમાં એક સલાહકાર સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું. આ સમિતિમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, આવાસ ક્ષેત્રના નિષ્ણાતો, આર્કિટેક્ટ્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરેનો સમાવેશ થવો જોઈએ. આનાથી મ્હાડા સાથે સીધો સંવાદ શક્ય બનશે અને સ્થાનિક સ્તરના મુદ્દાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદ મળશે.

મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)એ એક સરકારી સંસ્થા છે જે મહારાષ્ટ્રમાં સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઓછી કિંમતે પરવડે તેવાં આવાસો પૂરાં પાડે છે. તે મહારાષ્ટ્ર સરકારના આવાસ વિભાગ હેઠળ કાર્યરત છે અને તેની સ્થાપના 5 ડિસેમ્બર, 1977ના કરવામાં આવી હતી.