Tue Aug 18 2026

Logo

ટીન અને લીડ સિવાયની ધાતુઓમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક

2026-08-10 20:33:19
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ ઉપરાંત ક્રૂડ તેલના ભાવ પણ વધી આવ્યા હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓનાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, ગત શનિવારે સપ્તાહના અંતે સ્થાનિક ધાતુ બજારમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનાં દબાણને ટેકે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે એકમાત્ર ટીનમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. છના ઘટાડા અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગનો ટેકો મળતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી 20 સુધીનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે જે ધાતુઓના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 20 વધીને રૂ. 920, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 11 વધીને રૂ. 1441, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને અનુક્રમે રૂ. 1240 અને રૂ. 1655 અને કોપર સ્ક્રેપ હેવી તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 1345 અને રૂ. 950ના મથાળે રહ્યા હતા. 

વધુમાં અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો, વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 359, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. 397 અને કોપર આર્મિચર તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 1325 અને રૂ. 312ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. છના ઘટાડા સાથે રૂ. 5494ની સપાટીએ રહ્યા હતા, જ્યારે ખપપૂરતી છૂટીછવાઈ માગને ટેકે લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. 206ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.