Wed Aug 19 2026

Logo

મેસીના મહારથીઓ પૂરપાટ વેગે પહોંચી ગયા ફાઈનલમાં: ઇંગ્લૅન્ડ સ્તબ્ધ

Atlanta   2026-07-16 18:19:26
Author: Ajay Motiwala
Article Image

રવિવારે સ્પેન-આર્જેન્ટિના વચ્ચે નિર્ણાયક જંગ

ઍટલાન્ટા: લિયોનેલ મેસીના નેતૃત્વમાં બુધવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને મુકાબલાઓમાં કમબૅક માટે પ્રખ્યાત આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપમાં ફરી એક ચમત્કારિક પર્ફોર્મન્સ સાથે 1966ના વિજેતા ઇંગ્લૅન્ડને સેમિ ફાઇનલમાં 2-1થી ઓચિંતી પછડાટ આપીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. રવિવારે ન્યૂ યોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યાથી) આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઈનલ જંગ ખેલાશે.

પહેલી સેકન્ડથી છેલ્લી ક્ષણ સુધીનો સુપર ડુપર શૉ

પહેલી સેકન્ડથી છેક સુધી રોચક બનેલી આ સેમિ ફાઇનલમાં બંને ટીમે અભૂતપૂર્વ આક્રમકતા સાથે એકબીજા પર અંકુશ મેળવવાની કોશિશ કરી હતી. ફર્સ્ટ હાફમાં હરીફ ખેલાડીઓને નીચે પાડવાના અનેક સફળ-નિષ્ફળ પ્રયાસો થયા હતા. 55મી મિનિટ સુધી બંને ટીમ 0-0ની બરાબરીમાં હતી. 55મી મિનિટમાં ઍન્થની ગોર્ડને ગોલ કરીને ઇંગ્લૅન્ડને 1-0ની સરસાઈ અપાવી હતી.

અંતની પાંચ મિનિટ પહેલાં બાજી પલટાઈ

ઇંગ્લૅન્ડનું એ પ્રભુત્વ 85મી મિનિટ સુધી ચાલ્યું હતું, મૅચનો મુખ્ય 90 મિનિટનો સમય પૂરો થવાને માંડ પાંચ મિનિટ બાકી હતી ત્યારે મેસીના મહારથીઓએ હલ્લો બોલાવવાની આખરી શરૂઆત કરી દીધી હતી. મૅજિકલ પર્ફોર્મન્સ માટે જગવિખ્યાત લિયોનેલ મેસીના વારાફરતી બે આસિસ્ટને આર્જેન્ટિનાના બે સાથી ખેલાડીઓએ ગોલમાં પરિવર્તિત કરીને આર્જેન્ટિના માટે ચમત્કાર સર્જી દીધો હતો. ઇંગ્લૅન્ડ (England)ના હાથમાં આવી રહેલી બાજી આર્જેન્ટિનાએ ઓચિંતી છીનવી લીધી હતી.

મેસીના બે આસિસ્ટથી આર્જેન્ટિનાનો વિજય

85મી મિનિટમાં મેસીના આસિસ્ટમાં એન્ઝો ફર્નાન્ડેઝે ખૂબ દૂરથી કિક મારીને બૉલને ગોલપોસ્ટની એક કોર્નરમાંથી નેટમાં મોકલી દીધો હતો. આ અણધાર્યા ગોલથી ફર્નાન્ડેઝે આર્જેન્ટિના (Argentina)ને 1-1ની બરાબરી અપાવી હતી. જોકે એ તબક્કે મુકાબલો એક્સ્ટ્રા ટાઈમમાં જાય એવી પાક્કી સંભાવના હતી, પરંતુ 92મી મિનિટમાં મેસી (Messi)એ વધુ એક આસિસ્ટમાં પાસ કરેલા બૉલની દિશા સબ્સ્ટિટયૂટ ખેલાડી લૉટારો માર્ટિનેઝે બરાબર પારખી લીધી હતી અને પાંચ યાર્ડ (15 ફૂટ) દૂરથી બ્રિટિશ ખેલાડીઓની ડિફેન્સ ભેદીને આર્જેન્ટિનાને હેડરથી વિનિંગ ગોલ અપાવી દીધો હતો.

મૅચની અંતિમ ક્ષણોમાં મળેલા આ ગોલની મદદથી આર્જેન્ટિનાએ 2-1થી વિજય મેળવ્યો અને ફાઇનલમાં શાનભેર પ્રવેશ કર્યો હતો. મૅચ બાદ ઘણી વાર સુધી મેદાન પર મેસી અને તેના ખેલાડીઓએ ફાઇનલ જીતી ગયા હોય એવી વિનિંગ પરેડ યોજીને હજારો પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું.

મેસીની કારકિર્દી લંબાઈ

મેસીનો આ કદાચ છેલ્લો વર્લ્ડ કપ છે અને આ સેમિ ફાઇનલમાં જો આર્જેન્ટિના પરાજિત થયું હોત તો તેણે બુધવારે જ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હોત. જોકે હવે તેની કરીઅર લંબાઇ ગઈ છે. આર્જેન્ટિનાને જિતાડી દીધા બાદ મેસી ઘૂંટણીએ બેસી ગયો હતો તેની આંખોમાં હર્ષના આંસુ હતા. સાથી ખેલાડીઓ તેને વળગી પડ્યા હતા અને આ અભૂતપૂર્વ વિજયની તેમણે મન ભરીને ઉજવણી કરી હતી. બીજી તરફ, ઇંગ્લૅન્ડના ખેલાડીઓ શૉકિંગ હારને કારણે ઉદાસ ચહેરે ઊભા હતા અને ઇંગ્લૅન્ડ તરફી પ્રેક્ષકો પણ સ્તબ્ધ હતા.

ઇંગ્લૅન્ડનું 60 વર્ષ જૂનું સપનું તૂટ્યું

2022ના પાછલા વર્લ્ડ કપમાં મેસીના જાદુઈ પર્ફોર્મન્સની મદદથી જ આર્જેન્ટિનાએ ટાઈટલ જીતી લીધું હતું. ઇંગ્લૅન્ડ 1966ના ચેમ્પિયનપદ બાદ 60 વર્ષે ફરી એકવાર ફાઇનલમાં પહોંચવાની તલાશમાં હતું, પરંતુ આર્જેન્ટિનાએ બ્રિટિશરોનું સપનું ચકનાચૂર કરી નાખ્યું છે.

આર્જેન્ટિનાને વિશ્વવિક્રમની બરાબરીનો મોકો

રવિવારે આર્જેન્ટિના ફાઇનલ જીતી જશે તો સતત બે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાની ઇટાલી (1934-1938) અને બ્રાઝિલ (1958-1962) જેવી અપ્રતિમ સિદ્ધિ મેળવશે. જોકે આર્જેન્ટિનાની એ મહાન સિદ્ધિને આડે સ્પેન ઊભું છે જેને (2010 પછી) 16 વર્ષે ફરી બીજું ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે.

હવે ફાઈનલ પહેલાં ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે ત્રીજા સ્થાન માટે મૅચ રમાશે.