(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા-વિસનગર રોડ પર આવેલી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક વિદ્યાર્થિની અસ્મિતા પટેલ મૂળ નવસારીના ચીખલીની વતની હતી અને બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
નર્સિંગની પરીક્ષાઓ પૂર્ણ થઈ ત્યારબાદ હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન રૂમમાં કોઈ હાજર ન હોવાનો લાભ લઈ વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર રૂમમાં અંતિમ પગલું ભરી લીધું હતું.
આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે હોસ્ટેલનો સફાઈ કર્મચારી રૂમ સાફ કરવા આવ્યો અને દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. શંકા જતાં દરવાજો તોડીને જોતા વિદ્યાર્થિની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.
નવસારી સ્થિત પરિવારને આ સમાચાર મળતા જ માતમ છવાયો હતો અને તેઓ મહેસાણા આવવા રવાના થયા હતા. વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું સચોટ કારણ જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.