Fri Jun 19 2026

Logo

કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી: ભચાઉ પંથકમાં વરસાદી ઝાપટાં

2026-05-05 11:36:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણ આકરા તેવર બતાવી રહ્યા છે, ત્યારે કચ્છમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પગલે વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજના અરસામાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસેલા વરસાદને કારણે એકતરફ ગરમીમાં ઠંડક પ્રસરી છે, તો બીજીતરફ લણણીના આરે ઉભેલા પાકને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે સાંજે ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના ગામોમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ધોળા દિવસે અંધારપટ્ટ છવાયા બાદ શરૂ થયેલા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ઉનાળાના મધ્યમાં વરસેલા આ 'માવઠા'એ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક જેવા કે તલ, જુવાર, ઇસબગુલ, એરંડા, મગ અને બાજરીને આ વરસાદથી મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદનું જોર વધશે તો તૈયાર પાક હાથમાંથી જવાની આશંકાએ ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ત્રણ સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે. આગામી સમયમાં કચ્છ ઉપરાંત રાજકોટ, ભાવનગર અને બોટાદમાં પણ ૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ પલટાને કારણે તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ ઉકળાટ અને બફારો યથાવત રહે તેવી શક્યતા છે.

(ઉત્સવ વૈદ્ય)