ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યભરમાંથી કુલ 1528 લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ફસાયેલા 134 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌથી વધુ સ્થળાંતર અમરેલી જિલ્લામાં 641 લોકોનું (76 રેસ્ક્યુ) અને ગીર સોમનાથમાં 480 લોકોનું (12 રેસ્ક્યુ) સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જૂનાગઢમાંથી 297 લોકોનું (3 રેસ્ક્યૂ), આણંદમાં 60 લોકોનું, નવસારીમાંથી 50 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ડાંગમાથી 41 લોકોનું અને પોરબંદરમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કેટલા રોડ રસ્તા છે બંધ
માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ પાણી ભરાવાને કારણે રાજ્યભરમાં વાહનવ્યવહાર માટે કુલ 167 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં 1 સ્ટેટ હાઇવે (ખેડા જિલ્લો), 7 અન્ય મુખ્ય માર્ગો, 157 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં 62 પંચાયતી રસ્તાઓ અને નવસારીમાં 26 રસ્તાઓ બંધ છે.
GSRTCની કેટલી ટ્રિપ છે બંધ
વાહનવ્યવહાર ખોરવાતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કુલ 18 રૂટ પરની 60 ટ્રિપો બંધ રાખવામાં આવી છે. વીજળી કંપની GUVNL ના અહેવાલ મુજબ, વાવાઝોડા અને વરસાદથી રાજ્યના 3233 ગામો પ્રભાવિત થયા હતા. જે પૈકી 3176 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત તઈ ગયો છે.
આજે ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ
આજે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ ખતરનાક આગાહી કરી છે. જે મુજબ વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ભાવનગર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.