Wed Aug 19 2026

Logo

SIR ચકાસણી પ્રક્રિયા: લગ્ન પછી અટક (Surname) બદલી છે, તો મહિલાઓએ આપવો પડશે આ મહત્વનો પુરાવો!

2026-08-04 19:46:44
Author: Mumbai Samachar Team
Article Image

પુણેઃ રાજ્યની હજારો પરિણીત મહિલાઓને તેમનું નામ ૨૦૦૨ની મતદાર યાદીમાં હોવા છતાં મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઇઆર) પ્રક્રિયામાં વધુ એક ચકાસણીમાંથી પસાર થવું પડી શકે છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, જે પરિણીત મહિલાઓએ પોતાની અટક બદલી છે, તેમની ઓળખ ૨૦૦૨ના એસઆઇઆરમાં હજુ પણ તેમના લગ્ન પહેલાંના નામ સાથે (સ્ટેટસ ઇન્ફોર્મેશન રેકોર્ડ) હોઈ શકે છે. જોકે, સિસ્ટમ આપમેળે આવા કિસ્સાઓને 'તાર્કિક વિસંગતતા' અથવા 'અસામાન્ય' તરીકે ચિહ્નિત કરશે, જેના કારણે તેમણે અટક બદલ્યા અંગેનો દસ્તાવેજી પુરાવો રજૂ કરવો પડશે.

અધિકારીઓએ ઉમેર્યું હતું કે આ બાબત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એસઆઇઆર પ્રક્રિયામાં વર્તમાન મતદારોની વિગતોને ૨૦૦૨ની એસઆઇઆર  પ્રક્રિયાની વિગતો સાથે ડિજિટલ રીતે જોડવાની (મેપ કરવાની) જરૂર રહે છે. લગ્ન બાદ અટક બદલાવી સામાન્ય બાબત હોવાથી, ચૂંટણી અધિકારીઓને અપેક્ષા છે કે મોટી સંખ્યામાં મહિલાઓ આ શ્રેણીમાં આવશે.

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, એકવાર વિસંગતતા ધ્યાનમાં આવે પછી, તેનું નિરાકરણ લાવવા મતદારે અટક બદલવા અંગેના સહાયક દસ્તાવેજો જેમ કે લગ્નનું પ્રમાણપત્ર અથવા અન્ય સ્વીકાર્ય પુરાવા રજૂ કરવા પડે છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, "તેમણે સુનાવણી માટે રૂબરૂ આવવું પડી શકે છે અથવા લગ્ન નોંધણીનો દસ્તાવેજ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર)ને સોંપી શકે છે."

૨૦૦૨ પછી લગ્ન કરનાર મહિલાઓને તેમની વર્તમાન અટકના આધારે ચિહ્નિત કરી શકાય છે. આ વિસંગતતાને કારણે આપમેળે મતદારનું નામ રદ થતું નથી, પરંતુ તેનાથી ચકાસણીની પ્રક્રિયા શરૂ થાય છે, જેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વર્તમાન યાદીમાં રહેલા મતદાર અને અગાઉની યાદીમાં રહેલી વ્યક્તિ એક જ છે.