Sat Sep 05 2026

Logo

કચ્છઃ માંડવીના મસ્કા ગામના ક્રાંતિતીર્થ પાસે ધોળા દિવસે દીપડો દેખાતા પ્રવાસીઓમાં ફફડાટ

2026-03-23 14:28:00
Author: Mumbai Samachar Team
કચ્છઃ માંડવીના મસ્કા ગામના ક્રાંતિતીર્થ પાસે ધોળા દિવસે દીપડો દેખાતા પ્રવાસીઓમાં ફફડાટ

 

ભુજઃ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક વન્ય પ્રાણીઓ માનવ વસાહત તરફ વળી રહ્યા હોય તેવા કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. બંદરીય શહેર માંડવીના મસ્કા ગામ સ્થિત સુપ્રસિદ્ધ શ્યામજી કૃષ્ણવર્મા ‘ક્રાંતિતીર્થ’ સ્મારક ખાતે રવિવારે ધોળા દિવસે એક હિંસક દીપડો લટાર મારતો જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રવાસીઓથી સતત ધમધમતા આ ઐતિહાસિક સ્મારક પરિસરમાં દીપડાની હાજરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં આ હિંસક પશુ કોઈ પણ જાતના ડર વગર લટાર મારતું નજરે પડી રહ્યું છે.

મસ્કા વિસ્તારમાં સંભવતઃ પ્રથમ વખત દીપડો દેખાયો હોવાનું મનાઈ રહ્યું છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે, ત્યારે ધોળા દિવસે દીપડો દેખાતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. મસ્કા ગામના ઉપસરપંચ દ્વારા ગ્રામજનો અને માલધારીઓને સાવચેત રહેવા તેમજ સીમાડા તરફ જતી વખતે તકેદારી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છમાં દીપડાની સંખ્યા વધી રહી છે. ગત અઠવાડિયે જ ભુજના હબાય વિસ્તારમાં દીપડો દેખાયો હતો, જ્યારે અબડાસાના ચિયાસર અને રાધણઝરના જંગલોમાં પણ તેમની નોંધપાત્ર સંખ્યા હોવાનું સામે આવ્યું છે. પર્યાવરણવિદોના મતે, કુદરતી આવાસોના સંકોચનને કારણે આ જંગલી પશુઓ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ આવે છે.

વન વિભાગ દ્વારા ક્રાંતિ તીર્થ વિસ્તારમાં પાંજરૂ ગોઠવીને દીપડાને વહેલી તકે પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)