Mon Sep 07 2026

Logo

માંડવીમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા! આઝાદચોકમાં નેપાળી યુવક પર થયો જીવલેણ હુમલો

2026-04-09 19:07:07
Author: Vimal Prajapati
માંડવીમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા! આઝાદચોકમાં નેપાળી યુવક પર થયો જીવલેણ હુમલો

માંડવીઃ માંડવી શહેરના આઝાદચોક વિસ્તારમાં મોડી રાતના સમયે માનવતાને શરમાવે તેવી એક હિંસક ઘટના પ્રકાશમાં આવી છે. એક પરપ્રાંતીય નેપાળી યુવાન પર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે નિર્દયતાથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

ત્રણ અજાણ્યા શખ્સોએ નેપાળી યુવાનને ઢોરમાર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, માંડવીના આઝાદચોક જેવા જાહેર સ્થળે ત્રણ અજાણ્યા શખ્સોએ નેપાળી યુવાનને ઘેરી લીધો હતો અને કોઈ પણ પ્રકારના ડર વગર તેના પર લાકડાના ધોકા વડે હુમલો શરૂ કર્યો હતો. હુમલાખોરોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે યુવાનને શરીરના નાજુક ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે યુવાન પર જીવલેણ હુમલો થઈ રહ્યો હતો ત્યારે ત્યાં GRD ના એક જવાનની હાજરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. 

કાયદો અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતા પર ગંભીર સવાલ

કાયદાના રક્ષકની હાજરી હોવા છતાં હુમલાખોરો બેફામ બન્યા હતા, જે પ્રશાસનની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે. રક્ષકની હાજરીમાં જ થયેલા આ અત્યાચારે નાગરિકોમાં સ્થાનિક તંત્ર પ્રત્યે આક્રોશ જન્માવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી માંડવી પોલીસે તાત્કાલિક ધોરણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

પોલીસ દ્વારા વીડિયો ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હાલમાં આ હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના મધ્યમાં બનેલી આ ઘટનાએ માંડવીની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક તર્ક-વિતર્ક વહેતા કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહશે. 

(ઉત્સવ વૈદ્ય)