Sun Jul 05 2026

Logo

અસલી TMC કોણ? આ મુદ્દા પર ગુસ્સે ભરાયા દીદી, કલમ 144 લાગુ કરવામાં આવી છે?

2026-07-04 18:32:37
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ કૉલકાતામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બની છે વિપક્ષની ભૂમિકામાં રહેલા તૃણમૂલ કોંગ્રેસ પક્ષનો અંદાજ રાતોરાત બદલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં રાજકીય સમીકરણ અને ગણતરીઓ રાતોરાત બદલી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં મોટી તિરાડ પડ્યા બાદ, પાર્ટીના કાર્યાલય પર કબજો તથા ચંદ્રીમા ભટ્ટાચાર્યના રાજીનામા બાદ દીદી ખુદ રાજકીય મેદાને ઊતર્યા છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળી રહેલા મમતા દીદી અને કૃણાલ ઘોષ તથા મદન મિત્રાને મહાસચીવ બનાવી દેવાયા છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણૂલ કોંગ્રેસમાં તિરાડ પડતા મમતા દીદીએ પ્રતિક્રિયા આપી હતી.

ફેસબુક લાઈવ કરીને વાત કરી

શનિવારે એક સોશિયલ મીડિયાના લાઈવ સેશનમાં એલાન કર્યું હતું કે, તેઓ ખુદ તૃણમૂલ કોંગ્રેસની કમાન સંભાળશે. અધ્યક્ષ તરીકે કામ કરશે. મમતા બેનરજીએ કહ્યું કે, સુબ્રત બીમાર છે આ માટે પ્રદેશ અધ્યક્ષ તરીકે હું કમાન સંભાળીશ. અસલી TMC કોણ એ પ્રશ્ન પર થયેલા વિવાદ પર તમે શું વિચાર કરો છો? શું હું મરી ગઈ છું? હું જાણું છું કે, પ્રતીક ચિહ્ન તમારા પક્ષમાં નહીં જાય પણ માની લો કે, વનીશ કુમાર બાબુ સિંબલ આપી દઈએ તો પણ ફરક શું પડશે? આ પ્રતીક ચિહ્ન પહેરીને હું લોકો પાસે જઈશ તો શું તમે મારો અવાજ રોકી દેશો? ગઈકાલે તૃણમૂલ ભવન પર કબજો કરનારાઓએ જ આ નિર્ણય લીધો હતો. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, ભાડું ચૂકવવામાં આવી રહ્યું નથી. હું સ્પષ્ટ કરું છું કે, ઓક્ટોબર 2027 સુધીનું ભાડું ચૂકવવામાં આવ્યું હતું. કોઈ એક વ્યક્તિ વ્યક્તિગત માલિકીનો દાવો કરી શકતો નથી. આ સંસ્થાની મિલકત છે.

બળજબરી ન કરી શકે

સંસ્થાની આ મિલકતને બળજબરીથી કબજે કરી શકતું નથી. જે ​​લોકો દાવો કરે છે કે તેમને તેમનું ભાડું મળ્યું નથી, હું કહું છું કે, આ ચેક જુઓ. અમારી પાસે દસ્તાવેજો છે. અમે એક લાખ રૂપિયા માસિક ભાડું ચૂકવીએ છીએ. આજે, તેઓ કેન્દ્રીય એજન્સીની મદદથી પરિસર પર કબજો કરી રહ્યા છે. ઇમારતો કબજે કરી શકાય છે, પરંતુ લોકોના હૃદય આ રીતે કબજે કરી શકાતા નથી. આવું દીદી ગુસ્સામાં આવીને બોલી ગયા હતા.  આજે રાજીનામું આપનાર વ્યક્તિ (ચંદ્રિમા ભટ્ટાચાર્ય) એ અચાનક નિર્ણય લીધો ન હતો. આ ઘણા સમયથી ચાલી રહ્યું હતું, ખાસ કરીને કારણ કે તેમનો પુત્ર પહેલેથી જ બીજી બાજુ જોડાઈ ગયો હતો. પાર્ટી એક કે બે વ્યક્તિઓ પર નિર્ભર નથી. તે જનતા અને તેના સમર્પિત કાર્યકરો પર આધાર રાખે છે. દીદીની આ વાત પરથી કૉલકાતાની રાજનીતિમાં  નવા સમીકરણ બનાવાના અને મુદ્દાઓ ચર્ચાવાના શરૂ થઈ ગયા છે. ખાસ કરીને કાર્યાલયના કબજા મુદ્દે મામલો રાજકીય રીતે ગરમાયો હતો. 

ભરોસો હોય તો ભાજપ જોઈન કરી લો

દીદીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, બેઈમાનીની પણ એક સીમા હોય છે. જે પાર્ટીએ તમને જન્મ આપ્યો એની જ સાથે આ લોકો ગદ્દારી કરી રહ્યા છે. અંદરોઅંદર જે લોકો બાખડે છે એ ખરેખર તો ગદ્દાર છે. આવા લોકો ભાજપની વાતો પર ચાલી રહ્યા છે. ખરેખર હિંમત હોય અને ભરોસો હોય તો ભાજપમાં સામેલ થઈ જાવ. એવું કેમ નથી કરતા? હકીકતમાં દીદીનો આવું કહેવા પાછળનો અર્થ તૃણમૂલ કોંગ્રેસમાં તે ભાગલા પડ્યા એના પર હતો. જે બળવાખોર અને કદાવર કેટલાક ધારાસભ્યોએ દીદીના વલણ સામે મોરચો ખોલ્યો હતો એમને આ જવાબ હતો. બીજી તરફ આ અંગે ભાજપે કે બળવાખોર કોઈ નેતાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.ઓગસ્ટ મહિના સુધી પોલીસે કૉલકાતામાં કોઈ જ પ્રકારની રેલી કરવા પર મંજૂરી આપી નથી. આના પર દીદીએ કહ્યું શું કૉલકાતામાં કલમ 144 લાગુ કરી દીધી છે?

કલમ 144 લાગુ કરી છે?

બાળકોને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક આહાર મળી રહ્યો નથી તેમ છતાં અહીં ઇંડા ફેંકી રહ્યા છો. અમે 15 વર્ષથી સત્તામાં હતા પણ પોલીસે ક્યારેય આવું વર્તન કર્યું નથી. તમે IC, OC અને બ્લોક પ્રમુખ સાથે મળીને કામ કરી રહ્યા છો. પોલીસ કેમ આવીને કહેશે કે, "હું વાહન લાવ્યો છું; કાં તો મેં જે વ્યક્તિનું નામ આપ્યું છે તેની પાસે જાઓ અથવા લોક-અપમાં જાઓ"? જે લોકો ગયા છે તેમને હું દોષ આપતી નથી. તેમના પરિવારો અને સંપત્તિ છે.જે કદાવર થઈને ધારાસભ્ય તરીકે બેઠા છે અને જે લોકો હસ્તાક્ષર વાળા તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પર જીતીને ખુરશીમાં બેઠા છે, તે જ કહે છે કે, વર્ષ 2023 બાદ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી.વર્ષ 2027માં ફરીથી ચૂંટણી કરાવી છે વર્ષ 2026નું પ્રદર્શન કેવું રહ્યું? મારા કહેવાથી જ આ બન્યું અને ચૂંટણી પંચે ચૂંટણી લડવા પર મંજૂરી આપી હતી. 21 જુલાઈના રોજ તૃણમૂલ કોંગ્રેસ તરફથી એક શહીદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રિક્શા પર આ સભા થશે પણ આ માટે પોલીસ પાસે ખાસ મંજૂરી માગવામાં આવી છે.